ભારતીય નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાકટરે ચાર લેન હાઈવે પર 24 કલાકમાં સૌથી લાંબી રસ્તો બાંધવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ બદલ પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં શામેલ કરવામાં આવ્યો છે.
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોન્ટ્રાક્ટરે 24 કલાકમાં 4-લેન હાઈવે પર 2,580 મીટર લાંબી પેવેમેન્ટ ક્વોલિટી કોંક્રિટ (PQC) રોડ બનાવ્યો છે. 1 ફેબ્રુઆરી 2021 ના રોજ સવારે 8 વાગ્યે રસ્તાનું નિર્માણ શરૂ થયું હતું જે બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી ચાલ્યું હતું. 18.75 મીટરની પહોળાઈવાળા આશરે 48,711 ચોરસ મીટરના ક્ષેત્રને આવરી લેતા એક્સપ્રેસ વે પર કોંક્રિટ રસ્તો બનાવવામાં 24 કલાક લાગ્યાં હતાં. આ સમય દરમિયાન, 24 કલાકમાં સૌથી વધુ 14,613 ઘન મીટર કોંક્રિટ નાખવાનો રેકોર્ડ પણ બન્યો હતો. આ રેકોર્ડ ગ્રીનફિલ્ડ દિલ્હી-વડોદરા-મુંબઇ આઠ લેન એક્સપ્રેસ વે પ્રોજેક્ટનો એક ભાગ છે. આ રેકોર્ડ વિશ્વના સંપૂર્ણ સ્વચાલિત અલ્ટ્રા આધુનિક કોંક્રિટ મશીનથી બનાવવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આશા છે કે આવી ગતિથી તે 31 માર્ચ સુધીમાં 11,000 કિલોમીટરના નિર્માણ લક્ષ્યને પાર કરી શકશે.