અંગ્રેજોના ભારતપરના શાષન દરમ્યાન સમગ્ર ભારતના ક્ષત્રિયોના હિતના રક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરની એક સંસ્થાની જરૂરિયાત જણાતા ઈ.સ. ૧૮૯૭ માં આગ્રા પાસેના જુના આવાગઢ રાજયના રાજા શ્રી કિર્દેશ બલવંતસિંહ દ્વારા અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ. આ સંસ્થા દ્વારા અંગ્રેજ હકુમત સામે ક્ષત્રિયોના હકક માટે લડત આપવામાં આવેલ તેમજ સમગ્ર ભારતને સ્વતંત્ર બનાવવા માટે પોતાની ભૂમિકા ભજવેલ.
૧૯૪૭ માં દેશ આઝાદ થતાં આ સંસ્થા ભારતના ક્ષત્રિયોના શૈક્ષણિક, સંગઠનાત્મક તથા સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે. આ સંસ્થા ભારતભરના તમામ રાજયોમાં રાજય સ્તરે, જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સંગઠન દ્વારા ભારતમાં વસતા છેવાડાના ક્ષત્રિય સુધી પહોંચવા માટે કાર્યરત છે. વર્તમાન સમયમાં ક્ષત્રિય સમાજ કુરિવાજોથી મુકત બને, રૂઢીચુસ્તતામાંથી બહાર આવે અને સાંપ્રત સમયના પ્રવાહમાં જોડાઈ તંદુરસ્ત સમાજ વ્યવસ્થામાં સામેલ થાય અને શૈક્ષણિક, સામાજીક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક રીતે પ્રગતિશીલ સમાજ તરીકે ઉત્કર્ષ પામે તે પ્રકારની સકારાત્મક પ્રવૃતિઓ કરવામાં આવે છે.
આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઉતરપ્રદેશના એમ.એલ.સી.-રાયબરેલી ઠાકુર શ્રી દિનેશ પ્રતાપસિંહ ફરજ બજાવે છે, જેમણે અયોધ્યા ખાતે નિર્માણાધિન રામ મંદિર માટે રૂા. ૧ કરોડ ૨૧ લાખનું વ્યક્તિગત અનુદાન પણ આપેલ છે.
ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોમાં આ સંસ્થાની રચના કરવામાં આવેલ છે તેમજ ગુજરાત રાજયની રાજપુત સમાજની અન્ય સંસ્થાઓ સાથે સમન્વય અને સંકલન સાધીને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે પુરક બની સહિયારો પુરૂષાર્થ કરે છે.
આ સંસ્થાનું રાષ્ટ્રીય સંમેલન અલગ-અલગ રાજયોમાં યોજાતું હોય છે જે પરંપરા અનુસાર આ વર્ષે ગુજરાતમાં સંમેલન યોજવાનું નકકી થતાં આગામી તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ને રવિવાર ના રોજ બપોરે ૧૨-૦૦ થી ૨-૩૦ વાગ્યા સુધી જામનગરના ઓશવાળ સેન્ટર, સાત રસ્તા, જામનગર ખાતે રાષ્ટ્રીય સંમેલન યોજાનાર છે.
સંમેલનમાં ભારતના તમામ રાજયોમાંથી જે તે રાજયના પ્રતિનિધિઓ તેમજ ગુજરાતના તમામ જિલ્લામાંથી જિલ્લાના પ્રતિનિધિઓ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના રાજપુત સમાજના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આ સંમેલનના ઉદઘાટક તરીકે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી અને રાજપુત સમાજના આગેવાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે રાજયના અન્ન અને નાગરીક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હુકભા) તેમજ લેફટન્ટ જનરલ મહિપતસિંહજી વાઢેર ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે માંડવીના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, લીમડીના ધારાસભ્ય કિરીટસિંહજી રાણા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી જાડેજા, ગોડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, કચ્છ કાઠીયાવાડ ગરાસીયા એસોસીએશન ના પ્રમુખ કુમાર ધ્રુવકુમારસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ જયરાજસિંહ જાડેજા, ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, જામનગર રાજપુત સમાજના પ્રમુખ પી. એસ. જાડેજા, ઝાલાવાડ રાજપુત સમાજના પ્રમુખ ડો. રૂદ્રદતસિંહ ઝાલા, પોરબંદર રાજપુત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, જૂનાગઢ રાજપુત સમાજના પ્રમુખ રઘુવિરસિંહ ચુડાસમા, ગીરસોમનાથ જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપુત સંસ્થાના હોદેદારો, કારોબારી સભ્યો અને બન્ને જિલ્લાના રાજપુત સમાજના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
જામનગર ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરનું રાજપુત સમાજનું સંમેલન યોજાનાર હોય, સમગ્ર હાલાર પંથકના રાજપુત સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.
સંમેલનને સફળતાપૂર્વક પાર પાડવા માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોવુભા જાડેજા (ડાડા)ના માર્ગદર્શન હેઠળ પ્રવિણસિંહ જાડેજા (સોગઠી) પ્રદેશ સંરક્ષક ઘનશ્યામસિંહ સોઢા (શેખપાટ) મહામંત્રી અખિલ ભારતીય ક્ષેત્રીય મહાસભા -ગુજરાત, ચંદ્રસિંહ રાન્ના, મહામંત્રી, અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભા- ગુજરાત, પ્રવિણસિંહ જાડેજા (સેવકણીયા), પ્રમુખ અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભા, જામનગર જિલ્લા તથા આઈ. કે. જાડેજા (લાખાણી), પ્રમુખ અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભા, જામનગર શહેર, તેજપાલસિંહ જાડેજા, મહામંત્રી અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભા, જામનગર શહેર તથા કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.