ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે ઓછા થઇ રહ્યા છે ત્યારે મ્યુકરમાયકોસિસના કેસોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે રાજકોટની સમરસમાં દિવસભર સંગીતની ધૂન વાગી રહી છે. રાજકોટની સમરસમાં અત્યારે મ્યુકરમાયકોસિસના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યારે તેઓને પણ સંગીત થેરાપી આપવામાં આવી રહી છે.
મૂળ સંગીતના શિક્ષક મેહુલ પાસે કોરોનાને લઈને સ્કૂલ બંધ હોઈ કોઈ કામ હતું નહીં. એટલે તેણે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું હતું. દરમિયાન તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. દર્દીઓની સંભાળ દરમ્યાન તેમના પિતાને તેઓ ગીત ગાઈ સંભળાવતા હતા. આ વાત પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ધ્યાને આવતા તેઓએ મેહુલ વિષે વધુ જાણકારી મેળવી હતી. ત્યારબાદ મેહુલની ગીતસંગીતની સાધના જોઇને તેમને કાઉન્સેલિંગની ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી આપવાનું નવું કામ સોંપ્યુ છે.
ર્દીઓ ભજન તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે, મેહુલ પુરી કરે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે છે. પી.પી.ઈ. કીટ અને માસ્ક પહેરી પહેલા તો ગીત ગાવામાં અને ગિટાર વગાડવું ફાવતું નહીં, પરંતુ ધીરે ધીરે ફાવી ગયું અને હવે કોઈ જ મુશ્કેલી વગર શાનદાર પર્ફોમન્સ મેહુલ આપી શકે છે.