રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીનો કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (સીઓપી)ના આંતરરાષ્ટ્રવીય સલાહકાર સમિતિના સભ્ય બનાવાયા છે. સમિતિ કોન્ફરન્સના 28માં સત્રમાં અધ્યક્ષને માર્ગદર્શન અને સલાહ આપશે. અંબાણી હવે પરંપરાગત ક્રૂડ ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસ ઉપરાંત, રિન્યૂએબલ એનર્જીમાં પણ મોટાપાયે રોકાણ કરી રહ્યા છે.
સમિતિમાં અંબાણી સહિત 31 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો છે. સીઓપી 28 યુએઈ પ્રેસિડેન્સીએ જણાવ્યું હતું કે, ‘સીઓપી 28 યુએઈ સલાહકાર સમિતિ હવામાન સંબંધી પડકારોની ચર્ચા માટે છ ખંડોમાંથી જુદાજુદા દેશોના નિષ્ણાતોને સાથે લાવે છે’. પ્રેસિડેન્સીએ વેબસાઈટ પર વધુમાં જણાવ્યું હતું કે, ‘સમતિ પોલિસી, ઉદ્યોગ, ફાઈનાન્સ, સમાજ, યુવા અને માનવીય બાબતો સાથે જોડાયેલી બાબતો રજૂ કરે છે. તેના 31 સભ્યો સીઓપી28 અને ત્યાર પછી પણ અધ્યક્ષને માર્ગદર્શન અને સલાહ આપશે’.
સમિતિ ફાઈનાન્સ, નુકસાન, ફૂડ, કૃષિ, કુદરત આધારિત ઉકેલ સહિતની બાબતોમાં સહયોગ અને નિર્ણાયક પગલાં લેવાની પ્રેરણા આપશે. યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્ધવેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (યુએનએફ સીસીસી) સેક્રેટેરિયેટે જાન્યુઆરીમાં ઉદ્યોગ અને આધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહેમદ અલ જબરને ‘કલાઈમેટ ચેન્જ’ના ખાસ દૂત બનાવ્યા હતા. તે સીઓપી28ના પ્રેસિડેન્ટની ભૂમિકા સંભાળશે. સીઓપી28 પ્રેસિડેન્સીએ સલાહકાર બોર્ડમાં 31 લોકોનો સમાવેશ કર્યો છે.