હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર તથા દ્વારકા જિલ્લાના રસ્તાના કામો અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ લાલપુરથી મોટા ખડબા અને ઝાખર પાટીયાથી વાડીનાર સુધીના રસ્તાના રીફ્રેશના કામો માટે કેન્દ્ર સરકાર દ્વારા 26 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે જે અંગે વહીવટી મંજૂરી અને અન્ય પ્રક્રિયા પૂર્ણ થયે આ કામો તાત્કાલિક શરૂ કરવામાં આવશે.
સંસદીય મત વિસ્તારના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના લાલપુરથી મોટા ખડબા જતો રસ્તો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનારથી જામનગર જિલ્લાના ઝાખર પાટીયા સુધીનો રસ્તો અતિ ખરાબ હાલતમાં હોય લોકોને વાહન ચલાવવામાં અતિ મુશ્કેલી પડતી હોવાની તેમજ અકસ્માત થતા હોવાની મળેલ વ્યાપક રજૂઆત અન્વયે સદરહુ બંને રસ્તા રીસરફેશ કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ દ્વારા રજૂઆત કરાઈ હતી. જે અન્વયે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ સ્કીમ (સીઆરઆઈએફ) હેઠળ બંને રસ્તાના કામો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ઝાખર પાટીયાથી વાડીનાર રોડનું રૂા.11 કરોડનું અને લાલપુર થી મોટા ખડબા રોડનું રૂા. 15 કરોડ એમ કુલ રૂા.26 કરોડના કામોને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. જે અંગે વહીવટી મંજૂરી તેમજ અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયે આ કામો તાત્કાલિક શરૂ કરવામાં આવશે.
સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર સંસદીય મત વિસ્તારના ઉકત બંને ઉપયોગી માર્ગોના રીકાર્પેટના કામો મંજૂર થતા લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવનજાવન માટે ખૂબ સાનુકૂળતા થશે. જન સુવિધાના આ મહત્વના વિકાસ કામો માટે મંજૂર કરવા બદલ સંસદસભ્ય પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્પસોર્ટ અને હાઈવે વિભાગના મંત્રી નીતિનભાઈ ગડકરી તથા રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.