યુક્રેન અને રશિયા વચ્ચે ભયાવહ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા છે. તે લોકોને પરત લાવવા માટે સરકાર ઓપરેશન ગંગા પર કાર્ય કરી રહી છે અને વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે સાંસદ પૂનમબેન માડમે જામનગર પોતાના વતન પરત ફરેલા વિદ્યાર્થીઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જામનગરના 4 વિધાર્થી યસ્સવી સાહુ, મહેશ પટેલ, હમશ નીંબાર્ક અને કવન સરડવા દિલ્હી પહોંચ્યા છે અને કાલ સુધીમાં જામનગર પહોંચશે. તો અન્ય 6 વિદ્યાર્થીઓ સંપર્કમાં છે અને તેને પરત લાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેમજ જામનગર ના બે વેપારી વિવેક વાદી અને મિલન દોમળયા યુક્રેનમાં ફસાયા છે. તેની સાથે પૂનમબેન માડમે વિડિયો કોલ કરીને સમગ્ર માહિતી મેળવી સરકારને જાણ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે જે જગ્યા પર વેપારીઓ ફસાયા છે ત્યાંથી બીજા દેશની સરહદ 700 કિમીથી પણ દૂર છે. એટલા માટે સરકાર દ્વારા તેમની સાથે સતત સંપર્ક કરી બંને વેપારીઓને દેશ પરત લાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 10 વિદ્યાર્થીઓ યુક્રેન માં ફસાયા હતા. જેમાંથી 7 પરત આવી ગયા છે. તો એક વિદ્યાર્થી રસ્તામાં છે અને એક વિદ્યાર્થી પોલેન્ડમાં છે. જ્યારે એક વિદ્યાર્થી યુક્રેન માં છે. જેને વતન પરત લાવવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્ન કરી રહી છે