પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટમાના એક એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિર્માણાધીન સિગ્નેચરબ્રિજની કામગીરીની પ્રગતિ જોવા જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીના પ્રવાસ દરમિયાન દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સાથે મુલાકાત લીધી હતી. નોંધપાત્ર છે કે, આઝાદી બાદ પ્રથમ વખત ઓખાપોર્ટથી યાત્રાધામ બેટદ્વારકા ટાપુને જમીનથી જોડવા માટેના ઐતિહાસિક કેબલ સ્ટેટ બ્રિજના કામનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે.
પ્રાકૃત્તિક વિવિધતાઓ સાથે આસ્થાના પ્રતિક એવા બેટદ્વારકા ટાપુ સુધી પણ હવે વાહન માર્ગે જઇ શકાશે. અહીં હવેલી સંપ્રદાય સહિત વિવિધ ભક્ત સમુદાયોના મહતવના ધામ આવેલા છે અને વરસે લાખો યાત્રાળુઓ-પ્રવાસીઓ આવે છે. જ્યારે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જ ઓખાથી બેટદ્વારકા વચ્ચે દરીયામાં કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ બાંધવા પ્રોજેકટ તૈયાર કર્યો હતો અને મહત્વપૂર્ણ નિર્માણનો સંકલ્પ કર્યો હતો.
ત્યારબાદ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અસરકારક અને ઝડપી સુવિધા સાકાર કરવા રૂા. 962 કરોડનું બજેટ મંજૂર કરીને 3.75 કિ.મી.ના દરિયા અંતરને રોડ માર્ગે જોડવા સિગ્નેચર સ્ટડ બ્રિજ શ્રધ્ધાળુઓ માટે તૈયાર કરાવી રહી છે. વર્ષે 20 લાખથી વધુ શ્રધ્ધાળુ અને બેટ દ્વારકાના 8000 નાગરિકોની વર્ષોથી આ બ્રિજ માટેની માગણી સંતોષાઇ હોય. આ નિર્માણથી અવર-જવરમાં રાત-દિવસ સુગમતા અને સમયની બચત થશે. 3.73 કિ.મી. લંબાઇનો ચાર માર્ગીય કેબલ સ્ટેટ સિગ્નેચર 27.20 મીટર પહોળો બનશે. 2.5 મિટરની ફૂટપાથ અને તેના ઉપર સ્ટ્રીટ લાઇટ પણ હશે. ફૂટપાથ ઉપર સોલાર પેનલ ફિટ થશે. જેથી છાયડો રહે જેથી જરુરી જેટલા મેગાવોટ વીજ ઉત્પાદન કરાશે. કેબલને આધાર આપવા બ્રિજમાં 150 મીટર (450 ફૂટ) ઉંચા બે પાઇલોટ ટાવર બન્યા છે. બ્રિજમાં ઓખા તરફ 300 મીટર, બેટદ્વારકા તરફ 1101 મીટર એપ્રોચની લંબાઇ રહેશે. એપ્રોચના 2.32 કિ.મી. સિવાય 900 મીટરનો હિસ્સો કેબલ સ્ટેન્ડ ઉપર લટકતો બનશે. મોરપિચ્છના ચિન્હ સાથે આ બ્રિજ રાત્રી દરમિયાન લાઇટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળશે.
આ સમગ્ર કામગીરીના ધમધમાટનું બારીકાઇથી નિરીક્ષણ કરી ગુજરાતને મળેલી કેન્દ્ર સરકારની મહત્વની અનેક ભેટમાની એક ભેટ સમાન અને સ્ટ્રકચરલ અને આર્કિટેકટ અને ડેકોરેશનના નમુનેદાર ગણાતા બ્રિજના કામની પ્રગતિ ચકાસીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને દ્વારકાના ધારાસભ્ય પબુભા સાથે આ ખાસ મુલાકાત દરમિયાન સુદ્રઢ અને ઝડપી કામગીરી કરવા સાથેના જરુરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.