જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એચ.એચ. ભાયા ની સુચના અનુસાર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા વહીવટી તંત્ર દ્વારા અતિ ભારે વરસાદ નાં લીધે પુરગ્રસ્ત સ્થિતિ ને પહોચી વળવા માટે 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો 9 સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા 210 પેટા આરોગ્ય કેન્દ્રો ને ચોવીસ કલાક ચાલુ રાખી લોકોને પ્રાથમિક તથા રેફરલ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જેમાં તાવ,ઝાડા, શરદી ઉધરસ, બીપી વગેરે રોગોની સારવાર,સુવિધા અને ઈમરજન્સી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.
ઉપરાંત તે દરમ્યાન નજીકની સંભવિત પ્રસુતિવાળી 225 સગર્ભા બહેનોને પેટા આરોગ્ય કેન્દ્રો ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા સેલટર હોમ જેવી સુરક્ષિત જગ્યાઓ પર તમામ સગર્ભાઓને સમજુતી આપી આરોગ્ય કર્મીઓ દ્વારા વરસાદની પરીસ્થિતિમાં પણ ભારે જહેમત ઉઠાવી સ્થળાંતર કરાવ્યું હતું. જે પૈકી 82 સગર્ભા બહેનોની સુખરૂપ પ્રસુતિ થઇ હતી.
જામનગર જીલ્લા નાં 418 ગામો, 4 નગરપાલિકા વિસ્તાર માં આરોગ્ય વિભાગ નાં તમામ સ્ત્રી આરોગ્ય કાર્યકરો,પુરુષ આરોગ્ય કાર્યકરો,મેડીકલ ઓફિસરો,આશા બહેનો,સીએચ ઓ વગેરે તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા સર્વેલન્સ તથા ઓપીડી કામગીરી કરી વિકટ પરીસ્થિતિમાં પણ લોકોને તકલીફ ન પડે તે રીતે ડોર ટુ ડોર સારવાર આપવામાં આવી છે. તેમજ આ દરમ્યાન સૌથી અગત્યની બાબત લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરોગ્ય સ્ટાફ દ્વારા 8730 જેટલી ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું 230 જેટલા ઓઆરએસના પેકેટનું વિતરણ તેમજ ગ્રામ પંચાયત કક્ષાએ નિયમિત કલોરીનેશન થાય તે માટે 670 જેટલા કલોરીનેશન ટેસ્ટનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રોગચાળો ઉદભવવા ન પામે તે માટે લોકોને આરોગ્ય શિક્ષણ દ્વારા માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા હતાં. કામગીરી દરમિયાન વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું