દ્વારકા લાઈટ હાઉસના ત્રીજા માળેથી ગઈકાલે રવિવારે સાંજે માતાએ પુત્ર સાથે મોતની છલાંગ મારી, આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ દ્વારકા ખાતે યાત્રાળુઓની ભીડના પગલે વિવિધ સ્થળો પર ભારે ટ્રાફિક જોવા મળે છે. જેમાં દ્વારકાની આજુબાજુના જોવાલાયક સ્થળો પણ યાત્રાળુ તેની મુલાકાત લેતા હોય છે. ત્યારે ગઈકાલે રવિવારે સાંજે દ્વારકાના લાઈટ હાઉસના ત્રીજા માળેથી માતા-પુત્ર દ્વારા આત્મહત્યા કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા સોયનાબેન મયુરભાઈ સોલંકીએ તેમના આશરે આઠ વર્ષના પુત્ર મયંક સાથે દ્વારકામાં દીવાદાંડીના ત્રીજા માળેથી રવિવારે સાંજે આશરે 6:30 વાગ્યાના સમયે ઝંપલાવી દેતા આ માતા-પુત્રના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. માતા તેમજ પુત્રના મૃતદેહને પીએમ અર્થે દ્વારકા નગરપાલિકા એમ્બ્યુલન્સમાં દ્વારકાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ આપઘાતનો હોવા અંગેની દિશામાં દ્વારકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આપઘાતના આ બનાવ અંગે જીવીબેન મસરીભાઈ રામશીભાઈ ગામી (ઉ.વ. 50, રહે. ટી.વી. સ્ટેશન- દ્વારકા) એ મૃતક સોયનાબેન મયુરભાઈ સોલંકી સામે પોતાના પુત્ર મયંકને સાથે લઈ જઈને દેવાદાંડીથી નીચે ફેંકી દઈ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત અન્ય એક પોલીસ ફરિયાદમાં મૃતક સોયનાબેનને મસરીભાઈ રામશીભાઈ ગામીએ તેણીને દવા પીને મરી જવા માટેનું મેણું મારતા તેમજ તેણીના પતિ મયુર મસરીભાઈ સોલંકી (રહે. હનુમાનધાર – રાવલ) એ સોયનાબેન તથા તેમના નવ વર્ષના પુત્રને જોઈતા ન હોય તેમ કહીને તેણીને મરી જવા માટે મજબૂર કર્યાની ફરિયાદ મસરીભાઈ રામશીભાઈ ગામી અને મયુર મશરીભાઈ સોલંકી સામે દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવે ભારે અરેરાટી સાથે સમગ્ર દ્વારકા પંથકમાં ચકચાર પ્રસરાવી છે.


