જામનગર શહેરના દિ.પ્લોટ 59 વિસ્તારમાં રહેતા પ્રૌઢાને તેમની પુત્રવધૂ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થવાથી મનમાં લાગી આવતા પ્રૌઢાએ વીજરખી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. રાજકોટના યુવાને બીમારીથી કંટાળીને ઝેરી દવા પી જિંદગી ટુંકાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ 59 વિસ્તારમાં સીંધુ ભાનુશાળી સમાજ પાછળના વિસ્તારમાં રહેતાં જમનાબેન વસંતભાઈ દામા (ઉ.વ.53) નામના પ્રૌઢાને તેના મોટા પુત્રની પત્ની હર્ષિદાબેન સાથે સોમવારે સાંજના સમયે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીનું મનમાં લાગી આવતા જમનાબેને જામનગર તાલુકાના વીજરખી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ થતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિ વસંતભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, રાજકોટમાં બાલાજી હોલ પાસે આવેલી ગોવિંદ રત્ન સોસાયટી શેરી નં.1 માં રહેતા વિનોદભાઈ અમૃતભાઇ ધાડિયા (ઉ.વ.40) નામના પટેલ વેપારી યુવાને થોડા દિવસ અગાઉ એન્જીયોગ્રાફી કરાવી હતી અને હૃદયનો દુ:ખાવો થવાથી સારવાર ચાલુ હતી. આ બીમારી દરમિયાન જિંદગીથી કંટાળીને કાલાવડ તાલુકાના નાના વડાળાથી નિકાવા ગામ તરફ જવાના માર્ગ તરફ જીઈબીના પાવરહાઉસ સામે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ જેન્તીભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.