ભાવનગર જિલ્લાના સિહોર ગામેથી એક ઘટના સામે આવી છે. જેમાં સગી જનેતાએ તેના બન્ને બાળકો પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યા છે. અને પોતે પણ તળાવમાં કુદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી સામે આવ્યું નથી.
ભાવનગર જિલ્લાનાં સિહોર ગામ પાસે આવેલા ખોડીયાર તળાવમાં જનેતાએ બાળકો પાણીમાં ડુબાડ્યા, ઘરે થી માતા બાળકોને મંદિરે દર્શન કરવાનું કહીને લઇ ગઇ હતી. ભાવનગર નજીકનાં સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં પોતાની 9વર્ષની દીકરી અને 6વર્ષના દીકરાને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે.
સિહોર પોલીસમાં પતિ અજયભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના મકાનમાં પોપટભાઈની વાડી રેલ્વે હોસ્પિટલ પાછળ મકાન ભાડે રાખી રહું છું અને હીરાના કારખાનામાં કામ કરું છું, મારા લગ્ન બાર વર્ષ પહેલા બોટાદ ખાતે થયા હતા, મારે દીકરી દ્રષ્ટિ (ઉ.વ.નવ વર્ષ) અને ધાર્મિક (ઉ.વ. છ વર્ષ) છે. હું જ્યારે સવારે કામે જાવા નીકળી ગયો હતો. ત્યારે મારી પત્ની અને બાળકો ઘરે જ હતા. સાંજનાં સાડા ચાર વાગે મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું કે, હું બન્ને બાળકો ને લઈ રાજપરા ખોડિયાર મંદિર દર્શન આવ્યા છીએ. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો, ત્યારે બાદ સાંજનાં સાડા સાતેક વાગે અરસામાં મારા પત્નિના મોબાઈલમાંથી મને મિસ્કોલ આવતા મેં તેમાં ફોન કરતા કોઈ ભાઈએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તમે જલ્દી રાજપરા ખોડિયાર મંદિરના તળાવ પાસે આવો તમારી પત્નીએ તમારા બંને બાળકોને ડુબાડી દીધા છે.
અજયભાઈએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાતેક માસથી મારે અને મારી પત્નીને નાની વાતમાં ઘર કંકાસ થતો હોય જેના કારણે મારી પત્નીએ બન્ને બાળકોને તળાવમાં ડુબાડીને મારી નાખ્યા છે. આ મારી પત્ની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. સિહોર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.