ધ્રોલ-ટંકારા ધોરી માર્ગ પર ગોકુલપરથી આગળ લતીપર નજીકથી પૂરઝડપે પસાર થતી કારના ચાલકે ચાલીને જતા માતા અને પુત્રને હડફેટે લેતા અકસ્માતમાં અર્ટીગામાં બેસેલા વ્યક્તિનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજવાની ઘટનામાં પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા મડીબાઇ સુરેશભાઇ સીંધાર (ઉ.વ.36) નામની મહિલા રવિવારે સવારના સમયે તેના 10 વર્ષના 5ુત્ર બાબુને લઇ લતીપર જવા માટે રોડની સાઈડમાંથી જતી હતી તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી જીજે-03-એફડી-7829 નંબરની અર્ટીગા કારના ચાલકે માતા-પુત્રને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહિલા તથા તેના 10 વર્ષના પુત્ર બાબુને મોઢામાં તથા માથામાં અને પગમાં ઈજાઓ થઇ હતી. અકસ્માતમાં કારમાં બેસેલા પ્રેમજીભાઈ વિરજીભાઇ ભંડેરી નામના વ્યક્તિને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રેમજીભાઈનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવ અંગેની જાણ થતા પીએસઆઇ પી જી પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઈજાગ્રસ્ત મડીબાઈના નિવેદનના આધારે કારચાલક કલ્પેશ જાદવજી ભંડેરી નામના નાશી ગયેલ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.