કોરોના વાયરસ મહામારી વચ્ચે બિહારમાં મોત સાથે જોડાયેલા આંકડાઓમાં મોટું અંતર સામે આવ્યુ છે. હાલમાં જ આવેલા એક રીપોર્ટમાં જણાવાયુ છે કે રાજ્યમાં કોવિડ-19 મહામારીની શરૂઆતથી એટલે કે માર્ચ 2020થી મે 2021 સુધીમાં સિવીલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ) હેઠળ ગત વર્ષની તુલનામાં 2 લાખ 51 હજારથી વધુ મોત નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોવિડથી મોતનો સત્તાવાર આંકડો 5163 છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે સંકટના સમયે થયેલ મોત અને સામાન્ય પરિસ્થિતિમાં થયેલ અપેક્ષિત મોતની તુલનામાં મળેલા અંતરને એકસેસ મોર્ટલિટી કહેવાય છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રીપોર્ટ અનુસાર બિહારમાં સીઆરએસ હેઠળ નોંધાયેલ વધુ મોતની સંખ્યા કોવિડના સત્તાવાર આંકડાથી 48.6 ટકા વધુ છે. આંકડાઓનું વિશ્ર્લેષણ કરવા માટે મહામારીથી પહેલાના સમય (જાન્યુઆરી 2015થી ફેબ્રુઆરી 2020) સુધીના સીઆરએસના ડેટાની સરેરાશ કાઢવામાં આવી હતી. મહામારીની શરૂઆતના પહેલાના 4 વર્ષના ગાળા એટલે કે 2015થી 2019ની તુલનામાં કોવિડ-19ની શરૂઆત બાદથી 2 લાખ 51 હજાર 053 વધુ મોત થયા છે જેમાં 1 લાખ 26 હજારથી વધુ મોત 2021ના શરૂઆતના પ મહિનામાં નોંધાયેલ છે. જ્યારે આ ગાળામાં કોવિડ-19થી મોતની સંખ્યા 3766 હતી. આ જ પ્રકારે અન્ય મીડીયા સંસ્થાઓએ પણ આંકડાઓનું વિશ્ર્લેષણ કરી અલગ-અલગ રાજ્યોમાં મોતના આંકડાની ગણતરીની માહિતી આપી હતી. આંધ્ર, આસામ, ગુજરાત, હિમાચલ, કર્ણાટક, કેરળ, મ.પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તામીલનાડુ, યુપી અને પ.બંગાળથી પણ આવા જ અનુમાન સામે આવ્યા હતા. કેરળમાં આ અંતર 00.42 હતુ. જ્યારે યુપીમાં આ સંખ્યા 43 ગણી હતી.
ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે કોવિડ-19 મોતની સંખ્યા સત્તાવાર આંકડાથી બે-ત્રણ ગણી વધુ હોય શકે છે. રીપોર્ટ અનુસાર આ દરમિયાન તમામ મોત કોરોનાના કારણે જ નથી થયા પરંતુ મહામારી દરમિયાન મોતના આંકડામાં આવેલા અંતરનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપથી મહામારી સાથે જોડાયેલ હોવાની સંભાવના રહે છે. બિહાર માટે ડેટાથી જણાય છે કે મહામારીથી પહેલા 4 વર્ષના ગાળાની તૂલનામાં પ્રકોપની શરૂઆત બાદથી 251053 વધુ મોત થયા છે.