Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય5 મહિના બાદ એક દિવસમાં 50,000થી વધુ કેસ

5 મહિના બાદ એક દિવસમાં 50,000થી વધુ કેસ

ભારતમાં ફરી એક વખત એક્ટિવ કેસનો આંકડો 4 લાખ જેટલો થવા આવ્યો : મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ

- Advertisement -

ભારતમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 50,000 કરતા પણ વધારે નવા કેસ નોંધાયા છે. આશરે 5 મહિના બાદ દેશમાં કોરોનાના કેસનો આંકડો 50,000ને પાર ગયો છે જે ખૂબ જ ચિંતાજનક વાત છે. એજન્સીના અહેવાલ પ્રમાણે બુધવારે ભારતમાં કુલ 53,364 નવા કેસ નોંધાયા હતા જ્યારે 250 કરતા વધારે લોકોના મોત થયા હતા. અગાઉ 23 ઓક્ટોબર, 2020ના રોજ ભારતમાં 50,000 કરતા વધારે એટલે 54,350 કેસ સામે આવ્યા હતા.

- Advertisement -

કોરોના વાયરસના વધતા વ્યાપ વચ્ચે ભારતમાં ફરી એક વખત એક્ટિવ કેસનો આંકડો 4 લાખ જેટલો થવા આવ્યો છે. ઉપરાંત દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યા 1 લાખ 60 હજારના આંકડાને પાર કરી ગઈ છે. દેશમાં સૌથી ભયજનક સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં ગત રોજ 31,000 કરતા પણ વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દરરોજ કોરોનાના કેસનો આંકડો પોતાના જૂના રેકોર્ડ તોડી રહ્યો છે. આ કારણે જ રાજ્યના અનેક શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસનો આંકડો 2.5 લાખ જેટલો થઈ ગયો છે જે દેશભરના કુલ કેસના અડધાથી વધારે છે.

દેશની રાજધાની દિલ્હી પણ ફરી કોરોનાની લપેટમાં આવતી જણાઈ રહી છે. ભલે દિલ્હીની સ્થિતિ હજુ મહારાષ્ટ્ર જેવી ડરામણી નથી પરંતુ છેલ્લા થોડા સમયથી જે ટ્રેન્ડ ચાલી રહ્યો હતો તે તૂટી ગયો છે. ગત રોજ દિલ્હીમાં 1,200 કરતા વધારે કેસ નોંધાયા હતા જે આ વર્ષનો સૌથી મોટો આંકડો છે. આ કારણે દિલ્હીમાં નિયમો વધુ આકરા કરી દેવામાં આવ્યા છે અને બજારો, મોલ, મલ્ટિપ્લેક્સમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન અનિવાર્ય કરી દેવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular