જામનગરના જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના રસીકરણ અભિયાન ખાસ ઝુંબેશના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગત દિવસોમાં આ માટે ખાસ વેકસીનેશન ડ્રાઈવનું પણ આયોજન હાથ ધરાયું હતું ત્યારે જિલ્લાના તમામ તાલુકા તથા ગ્રામીણ મથકો પર યોજવામાં આવેલ વેક્સિનેશન કેમ્પને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડયો છે.ગ્રામીણ વિસ્તારના 46 હજારથી પણ વધુ લોકોએ વેકસીન લીધી હતી અને કોરોના સામે પોતાની જાતને સુરક્ષિત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારમાં લોકો કોવિડ પ્રતિરોધક રસી લેવા જાગૃત થાય તે માટે આશાવર્કર બહેનો, આંગણવાડી બહેનો, ફિમેલ હેલ્થ વર્કર તથા શિક્ષકો દ્વારા આઇ.ઇ.સી.એક્ટિવિટી, ધાર્મિક સ્થળો તથા જ્ઞાતિની વાડી ખાતે લોકો સાથે બેઠકોનું આયોજન, બહોળો લોકસંપર્ક સહિતના ખાસ જન જાગૃતિ કાર્યક્રમો સતત યોજવામાં આવ્યા હતા.
જેના ફળ સ્વરૂપે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો તથા 45 થી 60 વર્ષ વચ્ચેના અન્ય રોગ ધરાવતા નાગરિકોનું બહોળી સંખ્યામાં રસીકરણ શકય બન્યું હતું. તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને જાગૃત કરવા અનેક ઝુંબેશ ચલાવવામાં આવી જેની ફલશ્રુતિ રૂપે અનેક વરિષ્ઠ નાગરિકો રસી લેવા આગળ આવ્યા છે જેમાંના એક ચંદ્રકાંતભાઇ સોલંકીએ અન્ય જામનગરવાસીઓને રસી લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે, રસીની મને કોઇ આડઅસર થઇ નથી અને સ્ટાફ દ્વારા ખૂબ જ સહકાર મળ્યો છે. રસી આપનાર સ્ટાફ તાલીમબધ્ધ છે, રસીથી આપણે પોતાને અને બીજાને પણ સુરક્ષિત કરીએ છીએ તેથી દરેકએ રસી લેવી જોઇએ.
વરિષ્ઠ નાગરિકોએ મોટા પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા નાગરિકો પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે.