ગોઝારી ઘટનાઓની યાદીમાં મોરબીના મચ્છુ હોનારતનું નામ સામેલ થાય છે. આજના દિવસે આ જળ હોનારતને 44 વર્ષ પૂર્ણ થયા. તા. 18-8-1979ના બપોરે 3:15 આસપાસ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટી પડતા મહાવિનાશ સર્જાયો હતો. મોરબીવાસીઓને આ ઘટનાના 44 વર્ષ વિત્યા બાદ આજે પણ એ ઘડી યાદ આવતાં ધ્રુજારી ચડી જાય છે. મચ્છુના ધસમસતા પાણીએ કેટલા લોકોનો ભોગ લીધો હતો. તેનો અંદાજો પણ લાગી ના શકે તેવી સ્થિતિ સર્જાઇ હતી. શ્રાવણ મહિનાની બોળચોથ અને તા. 11 ઓગસ્ટના દિવસે સર્જાઇ હતી. આ હોનારત જ્યારે મોરબીના ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા લોકોને એવી ચેતવણી આપવામાં આવી કે, ત્રણ દિવસથી લગાતાર વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની આવક સતત વધતાં મચ્છુ-2 ડેમ ભયજનક બન્યો છે. તો લોકો સલામત સ્થળે જતાં રહે. પરંતુ ડેમ સાઇટ પરથી સંદેશા વ્યવહાર ઠપ્પ થઇ જતાં મચ્છુ-2 ડેમ તૂટયો હોવાની જાણ કરી શકાય નહોતી જેથી લોકો જળ હોનારત વિશે વિચારે એ પહેલા જ મોરબીમાં ધસમસતા પાણી આવી પહોંચ્યા હતાં. મચ્છુ-2 ડેમના મિકેનિક મોહને જણાવ્યું હતું કે, સૌપ્રથમ લખધીરનગરની બાજુ તૂટી અને ત્યારબાદ જોધપુરની બાજુ તૂટી પાણી ઉછાળા મારી રહ્યું હતું. ડેમમાં તિરાડો પડી રહી હતી. એક સાંધો ત્યાં તેર તૂટી જેવી સ્થિતિ સર્જાઇ હતી. પાણીનું વહેણ બે ભાગમાં વહેંચાય ગયું હતું. ધીમે ધીમે પાણી મોરબી તરફ વળતા તારાજી સર્જાઇ હતી. સ્થિતિ એટલી ભયાનક હતી કે, વિજળીના તારો પર મૃતદેહો લટકતા હતાં. વિસ્તારની 60 ટકા ઇમારતો ધરાશાઇ થઇ ગઇ હતી. માણસ શું કે પશું શુ? મોરબીના રસ્તાઓ પર જ્યાં જોવો ત્યાં મૃતદેહો જ વેરાયેલા પડયા હતાં. માત્ર બે કલાકમાં તો મોરબીને તારાજ કરીને મચ્છુના પાણીનો પ્રવાહ ક્યાંય દૂર નિકળી ગયો હતો. સમગ્ર શહેરમાં 10થી 15 ફૂટ ઉંચે સુધી પાણી ફરી વળ્યા હતાં. ગલી, મહોલ્લા, બજારો, ઘરની છતો જાણે સ્મશાન બની ગયા હતાં. હજારોની સંખ્યામાં અબોલ જીવો પૂરમાં તણાયા હતાં. મૃતદેહોની ઓળખ પૂર્ણ થાય એ પહેલા તો માનવ અને પશુઓના મૃતદેહો રોગચાળો ફેલાવવાનું જોખમ બની જતાં સામુહિક અગ્નિદાહ કે દફનવિધિઓ કરી નાખવામાં આવી હતી. જેના કારણે આજે પણ મોરબી જળ હોનારતનો સાચો મૃતાંક બહાર આવ્યો નથી. જુદા જુદા સર્વેક્ષણ ઉપરાંત જાગૃત લોકોના અંદાજ મુજબ 1800થી 25000ના મોટા તફાવત સાથે લોકોના મૃત્યુ થયાનો અંદાજ છે. મોરબીમાં આજે પણ આ ભયાનક જળ સ્મૃતિ કાળજા કંપાવી દે તેવી છે. આજે પણ આ હોનારતમાં મૃત્યુ પામનારા લોકોની યાદમાં તા. 11-8ના દિવસે હોનારત સમયે શહેરના નગર દરવાજેથી સાયરન વગાડવામાં આવે છે. પળભળમાં મોતના તાંડવથી શહેરને સ્મશાનમાં ફેરવનાર આ જળ હોનારતની આજે 44મી વરસી છે.