ભારતમાં અર્ધોઅર્ધ જેટલા ’ઇન્ફ્રા-સ્ટ્રક્ચર પ્રોજેક્ટસ’ તો મોડા શરૂ થવાના છે જ્યારે જે પ્રોજેક્ટસ પૂરા થવાના છે તે પૈકી 4માંથી 3માં તો તેની અંદાજિત રકમ કરતા ઘણાં મોંઘા થઈ પડયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો સ્પષ્ટત માને છે કે આ અનંત કાળથી ચાલુ રહેલા કુખ્યાત ’બોટલ નેક્સ’નો શ્રેષ્ઠ ઉપાય ટેક્નોલોજી જ છે.
આ માટે વડાપ્રધાને 100 ખર્વ રૂપિયા (1.2 ખર્વ ડોલર)ની મહા-યોજના (મેગા- પ્રોજેક્ટ) ’ગતિ-શક્તિ યોજના’ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. તે માટે એક ડીજીટલ ભૂમિકા તૈયાર કરાઈ રહી છે જેમાં કેન્દ્રના 16 મંત્રાલયોને સાંકળી લેવામાં આવ્યા છે. આ માટે જે પોર્ટલ તૈયાર કરાયું છે તે રોકાણકારો અને કંપનીઓને પ્રોજેક્ટસની ડિઝાઈન તે માટે અવરોધ રહિત મંજૂરી કેમ મેળવવી અને તે પ્રોજેક્ટની અંદાજિત રકમ વગેરે એકી સાથે જણાવી દેશે. આ અંગે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયના સ્પેશ્યલ સેક્રેટરી ઑફ લોજિસ્ટિક્સ (આનુષાંગિક વિભાગના વિશેષ સચિવ) અમૃતલાલ મીનાએ જણાવ્યું હતું કે, ’વૈશ્ર્વિક કંપનીઓ, તેના ઉત્પાદનો કરવા માટે ભારતને પસંદ કરે તે આ પ્રોજેક્ટનો હેતુ છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે, ’કોઈપણ પ્રોજેક્ટ (પરિયોજના)નો ઝડપભેર ઉકેલ લાવવાથી ભારતને અન્ય દેશો વિશેષત: ચીન સામે ઘણો લાભ મળશે. કારણ કે ચીન હજી પણ બાહ્ય જગત માટે ’બંધન’ સમાન બની રહ્યું છે. તેથી કંપનીઓ ચીન સિવાયના અન્ય દેશોમાં પોતાના પ્રોજેક્ટસ વિસ્તરણ માટે કે તેમાં વૈવિધ્ય લાવવા માટેની સતત શોધમાં છે.
ભારત એશિયાનું ત્રીજું મોટું અર્થતંત્ર છે અહીં સસ્તી મજૂરી મળે છે તેટલું જ પૂરતું નથી પરંતુ તેની પાસે બુદ્ધિશાળીઓનો એક વિશાળ સમૂહ છે. કર્મચારીઓ મોટા ભાગે અંગ્રેજી બોલી શકે છે આમ છતાં નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણા રોકાણકારોને દૂર રાખે છે માટે ચીન સાથે રાજકીય પરિસ્થિતિ બદલાતી રહે પરંતુ આ સિદ્ધાંતો યથાવત્ જ રાખવા પડે.’ તેમ કીર્ની ઇન્ડિયાના ભાગીદાર અંશુમાન સિંહાએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, અંશુમાન સિંહાની કંપની ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યવાહીમાં જોડાયેલી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગતિ શક્તિ યોજના દેશના એક છેડાથી બીજા છેડા સુધી કાચોમાલ, તૈયાર ઉત્પાદનો વગેરે સરળતાથી પહોંચાડવામાં ઘણી બધી સહાય કરી શકશે.’