કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે ટ્વીટ મારફતે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં રૂ.8 અને ડીઝલમાં રૂ.6એક્સાઈઝ ડ્યુટી ઘટાડી છે. જેના લીધે પેટ્રોલ ડીઝલ સસ્તા થશે. એક્સાઈઝ ડ્યુટીના ઘટાડાને પરિણામે પેટ્રોલમાં પ્રતિ લીટરે 9 રૂપિયા અને 50 પૈસાનો ઘટાડો થશે. તેમજ ડીઝલમાં પ્રતિ લીટરે 7 રૂપિયાનો ઘટાડો થશે. જેના પરિણામે કેન્દ્ર સરકારને વર્ષે 1 લાખ કરોડની આવક પર પ્રભાવ પડશે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9 કરોડથી વધુ લાભાર્થીઓને પણ રાહત આપવામાં આવી છે. આ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ (12 સીલીન્ડરની મર્યાદામાં) રૂ.200ની સબસીડી મળશે. સરકારના આ નિર્ણયથી પ્રધાનમંત્રી ઉજવ્વલા યોજનાના લાભાર્થીઓને ઘણો ફાયદો થશે. આ યોજના થકી સરકારને વર્ષે 6100 કરોડનો વધારાનો બોજ આવશે.
આ સિવાય પણ નાણામંત્રીએ જણાવ્યું કે અમે પ્લાસ્ટિક ઉત્પાદનો માટે કાચા માલ અને મધ્યસ્થીઓ પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડી રહ્યા છીએ જ્યાં અમારી આયાત પર નિર્ભરતા વધારે છે. આના પરિણામે પ્લાસ્ટિકના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો થશે. આ ઉપરાંત સ્ટીલના કેટલાક કાચા માલ પરની આયાત ડ્યુટી ઘટાડવામાં આવશે.કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યુટી વસૂલવામાં આવશે.