વોટ્સએપ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતમાં 500 મિલિયનથી વધુ યુઝર્સ છે. આ એપ્લિકેશનનો ઉપયોગ જેટલો વધુ એટલા જ એના પર સ્કેમ પર વધુ થાય છે. આથી આ ગેરફાયદાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક નિયમ બનાવવામાં આવ્યાં છે. આ નવા નિયમ હેઠળ વોટ્સએપ દ્વારા નિયમનું પાલન કરવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ હેઠળ વોટ્સએપ વેબ પરથી દર છ કલાકમાં યુઝર ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે અને ફરીથી લોગઇન કરવું પડશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ ડિવાઇસ રજિસ્ટર્ડ સિમ કાર્ડ વગર એપ્લિકેશનને એક્સેસ નહીં કરી શકે. વોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન વોટ્સએપ વેબનો વિકલ્પ પણ આપે છે. આથી આ નિયમની અસર એ સર્વિસ પર પણ પડી છે. આ નિયમને કારણે વોટ્સએપ વેબ જેવી સર્વિસ હવે દર છ કલાકે યુઝરને ઓટોમેટિક લોગ આઉટ કરી દેશે. પહેલાં આ સર્વિસ જ્યાં સુધી યુઝર પોતે લોગઆઉટ ન કરે ત્યાં સુધી ઉપયોગ કરી શકતા હતા.
આ પગલું વધતી ડિજિટલ ફ્રોડને અટકાવવા માટે લેવામાં આવ્યું છે. જોકે ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીના લોકોનું માનવું છે કે એના કારણે યુઝર્સની પ્રાઇવસી પર જોખમ આવી શકે છે. આ સાથે જ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કારણ કે ઇન્ટરનેશનલ રોમિંગ નહીં હોય તો એ સર્વિસ બંધ થઈ જશે. તેમ જ એક કરતાં વધુ ડિવાઇસ પર વોટ્સએપનો ઉપયોગ કરનારા યુઝર્સને પણ હવે તકલીફ પડશે.
ટેલિકોમ કંપની દ્વારા આ નિયમનો વધાવવામાં આવ્યો છે, પરંતુ ટેક કંપનીઓ એનો વિરોધ કરી રહ્યાં છે. કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે આ રીતે સિમ કાર્ડને કોમ્યુનિકેશન સાથે લિંક કરવાનું એ દરેક દેશમાં નથી થતું. કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન આઇડેન્ટિફાયર યુઝર એન્ટિટી નિયમ બનાવ્યો છે. આ નિયમને આધારે એ એક એન્ટિટી બની જશે. આ નિયમ અનુસાર યુઝરને ઓળખવા માટે એના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. આ નિયમને લઈને વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, અરાટ્ટાઇ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ અને જોશ જેવી વિવિધ એપ્લિકેશનને નોટિસ પણ મોકલી આપવામાં આવી છે.
આ નોટિસ અનુસાર 90 દિવસની અંદર તેમની સર્વિસ નંબર સાથે લિંક થઈ જવી જોઈએ. સિમ કાર્ડ વગર સર્વિસને એક્સેસ આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી વેબ સર્વિસને દર છ કલાકે ઓટોમેટિક લોગઆઉટ કરી દેવું પડશે. કંપનીઓ દ્વારા આ નિયમનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને અમલ કરવામાં આવ્યો છે એનો રિપોર્ટ આગામી ચાર મહિનામાં સરકારને મોકલવો પડશે. વોટ્સએપ હાલમાં વન-ટાઇમ પાસવર્ડ દ્વારા યુઝરની ઓળખ મેળવી રહ્યું છે, પરંતુ હવે બહુ જલદી સરકારના નિયમ અનુસાર સિમ કાર્ડનો આઇએમએસઆઇ નંબરને પણ ઓળખવામાં આવશે. આઇએમએસઆઇનો અર્થ ઇન્ટરનેશનલ મોબાઇલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી છે. આ નંબર દુનિયાના દરેક મોબાઇલ નંબર માટે અલગ છે. આ નંબરને સિમ કાર્ડમાં સ્ટોર કરવામાં આવે છે. વોટ્સએપ ભારતના તમામ યુઝર્સ માટે તેની સર્વિસને હવે રિ-એન્જિનિયર કરશે. દુનિયાના તમામ દેશ માટે આ સર્વિસ એકદમ અલગ છે.


