જામનગર જિલ્લામાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ખનનને લગતાં પ્રશ્નો ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો.
ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વિધાનસભામાં તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં ડીસીસ કંપની દ્વારા ગેરકાયદે ખનન કરાતું હોવા અંગે કેટલી ફરિયાદો મળી? અને તે અન્વયે શું પગલાં લીધા? અને છેલ્લા બે વર્ષમાં કંપની દ્વારા ગામમાં ક્યાં પ્રકારની જમીનમાં કેટલું ગેરકાયદે ખનન કર્યું હોવાનું સામે આવ્યું ? તે અંગે પ્રશ્નો પૂછયા હતાં.
જ્યાં પ્રત્યુત્તરમાં ખાણ-ખનિજનો હવાલો સંભાળતાં મંત્રીએ જણાવ્યું હતું કે, તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં લાલપુરના ચોરબેડી ગામમાં ડીસીસી કંપની દ્વારા ગેરકાયદે ખનન કરાતું હોવા અંગે પાંચ ફરિયાદો મળી છે અને તા. 9-11-2021ના રોજ કંપનીની સ્થળ તપાસ કરી કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. તેમજ કંપની દ્વારા છેલ્લા બે વર્ષમાં ગામમાં સરકારી પડતર જમીનમાં 398.76 મે.ટન, મુખ્ય લાઇમ સ્ટોન ખનિજ ગેરકાયદે ખનન કર્યું હોવાનું સામે આવ્યું છે તેમ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું.


