પાટિદાર અનામત આંદોલન સમયે જામનગરના ધુતારપર-ધુડશિયા ગામે રાજકીય ભાષણ આપવા અંગે નોંધાયેલા કેસમાં તે સમયના પાટિદાર નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ ગઇકાલે નિવેદન માટે જામનગરની અદાલતમાં હાજર થયો હતો.
પાટિદાર આંદોલન સમયના કેસમાં હાજરી આપવા માટે વિરમગામના ધારાસભ્ય અને પાટિદાર આંદોલનના પૂર્વ નેતા હાર્દિક પટેલ જામનગરની અદાલતમાં હાજર થયો હતો. નિવેદન નોંધાવ્યું હતું. ધુતારપર ગામે શૈક્ષણિક સભા યોજવા માટે તંત્ર પાસેથી મંજૂરી મગાયા પછી તે સભામાં હાર્દિક પટેલે રાજકીય ભાષણ આપતાં હોબાળો મચ્યો હતો અને જે તે વખતે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની સુનાવણી અદાલતમાં શરુ થયા બાદ નવી બિલ્ડીૈગમૉ આવેલ ન્યાયમૂર્તિ નંદાણીની અદાલતમાં ગઇકાલે હાર્દિકે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેમની સાથે તેમના વકીલ દિનેશ વિરાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અદાલતી કાર્યવાહી બાદ બહાર આવેલા ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટિદાર આંદોલન દરમિયાન પાટિદાર યુવાઓ સામે ખોટા કેસ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેમણે તાજેતરમાં કલાર્કની પરીક્ષામાં પેપર ફૂટવા અંગેની બાબતને અત્યંત ગંભીર ગણાવી હતી અને આ અંગે સરકાર કડક કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું હતું.