કલ્યાણપુર પંથકમાં રહેતી આશરે સવા અઢાર વર્ષની અને માનસિક રીતે અસ્વસ્થ એવી એક યુવતી પર તેણીના પરિવારજનોની ગેરહાજરીમાં દુષ્કર્મ ગુજારી, ગર્ભ રાખી દેવા બદલ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં રહેતી 18 વર્ષ અને ચાર માસની વયની એક યુવતીની છેલ્લા ઘણા વર્ષોથી માનસિક પરિસ્થિતિ સારી ન હોય અને તેણી સારી ખરાબ પરિસ્થિતિ અંગે વિચાર કરવા અક્ષમ હોવાથી તેના પરિવારજનો તમામ રીતે સહાયભૂત થતા હતા. શ્રમિક પરિવારની આ યુવતીના માતા-પિતા દિવસ દરમિયાન મજૂરીકામ માટે જતા હોય અને તેણી ઘરમાં એકલી હોવાથી તેણીની માનસિક બીમારીનો ગેરલાભ લઈને કોઈ અજાણ્યા શખ્સે તેણીની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહિ, આ દુષ્કૃત્યથી તેણી હાલ આશરે સાડા ત્રણ માસનો ગર્ભ ધરાવતી હોવાનું પણ પરિવારજનોના ધ્યાને આવ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર માનસિક અસ્વસ્થ યુવતીના પરિવારજનોની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે આઈ.પી.સી. કલમ 376 (2) વિગેરે મુજબ ગુનો નોંધી, આ પ્રકરણ અંગેની આગળની તપાસ કલ્યાણપુરના પીએસઆઈ એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે. માનસિક રીતે અસ્વસ્થ એવી યુવતી પર કરવામાં આવેલા દુષ્કર્મ તથા ગર્ભ અંગેના આ બનાવથી આરોપી તત્વો સામે લોકોમાં ફિટકારની લાગણી પ્રસરી છે.