કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના મોટા ગરેડિયા ખાતે ચેકડેમ નવીનીકરણના કામનું ખાતમુહર્ત કર્યું હતું. રૂ.7.50 લાખના ખર્ચે આ ચેકડેમના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવનાર છે.
આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના પ્રતિબંધો હટતા રાજ્ય સરકારે સિંચાઈ ક્ષેત્રે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. વિસ્તારમાં સિંચાઈના પાણીની તંગી દૂર કરવા પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાઈ રહી છે. ખાસ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ જરૂરી મંજૂરીઓ મેળવી છેલ્લા એક માસમાં અનેક જળ સંચયના કામો, તળાવો તથા ચેકડેમોના ખાત મુહર્ત તથા લોકાર્પણો કરવામાં આવ્યા છે.
મંત્રીએ ખેડૂતની જરૂરિયાત મુજબના ડેમ, બંધારાઓ તથા ચેકડેમનું નિર્માણ કરી વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય તે મુજબના કામો સરકારે હાથ ધર્યા છે. ખેડૂતની પહેલી જરૂરિયાત પાણી છે ત્યારે પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે માટે સરકારે ખાસ અભિયાન હાથ ધર્યું છે. ખેડૂત સમૃદ્ધ થાય, ગામડું સમૃદ્ધ થાય અને તેના થકી દેશ સમૃદ્ધ થાય તે માટે સરકારે વીજળી, ખાતર, ટેકાના ભાવ, સિંચાઈ તથા પાક ધિરાણ વગેરેમાં અનેક કૃષિલક્ષી રાહતો અમલમાં મૂકી છે.
આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, શિક્ષણ સમિતિના ચેરમેન લગ્ધીરસિંહ જાડેજા, નવલભાઇ મૂંગરા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ખાંટભાઈ, મહેન્દ્રસિંહ જાડેજા, નવઘણભાઇ લીબડીયા, કાંતિભાઈ રામોલીયા, મગનભાઈ કગથરા, જયસુખભાઇ અઘેરા, કેશુભાઈ ડાંગર, ખીમજીભાઈ રામોલીયા, કાથડભાઈ શિયાર, ડાયાભાઇ ડાંગર, ભીખાભાઇ ભૂંડિયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.