જામનગરના સિક્કા ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શહેરી આરોગ્ય કેન્દ્ર સિક્કાને પોતાની ધારાસભ્ય ગ્રાંટમાંથી એમ્બ્યુલન્સ લોકાર્પણ કરાઇ હતી.
આ એમ્બ્યુલન્સ થકી સિક્કા અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોને આરોગ્યસેવાઓ મેળવવામાં વધુ સુલભતા પ્રાપ્ત થશે તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય અને સુખાકારી માટે ગ્રામીણ વિસ્તારોને પણ વધુ સાધન સંપન્ન બનાવી રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી સામે દરેક વ્યક્તિ લડી રહ્યો છે ત્યારે આરોગ્યનું આંતરમાળખું વધુ સુદ્રઢ બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પણ સતત નવતર પગલા લઇ ગ્રામ વિસ્તારોમાં પણ સબ સેન્ટર, વેલનેસ સેન્ટર, એમ્બ્યુલન્સની સુવિધાઓ, ઓક્સિજનની સુવિધાઓ વગેરેનું નિર્માણ કરી ગ્રામજનોને પોતાના વિસ્તારમાં વધુમાં વધુ આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રાપ્ત બને તે માટે સરકાર કામ કરી રહી છે.
ગ્રામ્ય સ્તરે પ્રશ્નો ઉકેલવા માટે, સામાજિક વિકાસના કામો તેમજ ગ્રામીણ આંતરમાળખામાં આરોગ્ય, શિક્ષણ, રોજગારી જેવી દરેક બાબતોમાં સિક્કા અને સમગ્ર જામનગર ગ્રામ્યના વિકાસ માટે રાજ્ય સરકાર સતત તત્પર છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ સાથે જ મંત્રીએ જામનગર જિલ્લાના સર્વે નાગરિકોને પોતાના પાંચ વર્ષ સુધીના બાળકોને આગામી તા. ૨૭ ફેબ્રુઆરી રવિવારના રોજ પોલિયો રસીકરણ ઝુંબેશમાં પોલિયોના ટીપા પીવડાવી પોલિયો મુક્ત જામનગર અને પોલિયો મુક્ત ભારત બનાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી.
આ તકે કુમારપાળસિંહ રાણા, ગીરીરાજ જાડેજા, દેવુભાઈ ગઢવી, ડાડાભાઈ અલવાણી, જુમાભાઈ ખેડુ, હવાબેન ચમડીયા, શિવપુરીભાઈ ગોસ્વામી, ઈદરીશભાઈ મેનાણી, ઈસ્માઈલભાઇ ભગાડ, ઈસ્માઈલભાઇ હુંદડા, ઈસ્માઈલભાઈ ગંઢાર, પ્રકાશભાઈ વ્યાસ, પ્રદિપસિંહ જાડેજા, સી.ડી.એચ.ઓશ્રી, ટી.એચ.ઓ. વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.