જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આવેલી રિલાયન્સ ગ્રીન ટાઉનશીપમાં રહેતાં કર્મચારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને દરવાજાના નખૂચા તોડી રૂમમાં રહેલા કબાટમાંથી રૂા.5.91 લાખની કિંમતના 20 તોલાના સોનાના દાગીના અને રૂા.20 હજારની રોકડ રકમ સહિત કુલ રૂા.6.16 લાખની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન ટાઉનશીપમાં રહેતા જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની અને કંપનીમાં ફરજ બજાવતા અશોકભાઈ નકુમનું સેકટર 16 બ્લોક નં.3-બી મકાન હાલ બંધ હતું અને આ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી ગુરૂવારે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને દરવાજાના નકૂચા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં રહેલા લોખંડના કબાટના દરવાજા અને લોક તોડી તેમાં રાખેલા રૂા.5,91,200 ની કિંમતના 20 તોલાના સોનાના દાગીના અને રૂા.7500 ની કિંમતના 9 તોલાના ચાંદીના દાગીના તથા રૂા.20 હજારની રોકડ રકમ અને રૂા.2000 ની કિંમતની એક સ્માર્ટ વોચ સહિત રૂા.6,16,700 ની માલમતાની ચોરી કરી લઇ ગયા હતાં.
દરમિયાન શુક્રવારે સવારે મકાનમાં ચોરી થયાની પાડોશી દ્વારા જાણ કરતા અશોકભાઇ તથા તેમના પત્ની પ્રફુલ્લાબેન રિલાયન્સ ટાઉનશીપમાં દોડી આવ્યા હતાં અને ત્યારબાદ આ અંગેની જાણ કરાતા પીએસઆઇ જે.ડી. પરમાર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રફુલ્લાબેનના નિવેદનના આધારે રૂા.6.16 લાખની માલમતાની ચોરીનો અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી આ માતબર રકમની ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલ તથા ગુનાશોધક શ્વાનની મદદ વડે તપાસ આરંભી હતી. આ ચોરીના બનાવમાં કોઇ જાણભેદુ હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.