Friday, November 22, 2024
Homeરાજ્યદ્વારકાના દરિયામાં ન્હાવા પડેલા મહેસાણાના તરૂણનું ડૂબી જતાં મોત

દ્વારકાના દરિયામાં ન્હાવા પડેલા મહેસાણાના તરૂણનું ડૂબી જતાં મોત

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં મહેસાણાથી આવેલા પરિવારના ત્રણ સદસ્યો ગઈકાલે મંગળવારે દરિયામાં નહાવા ઉતરતા તે પૈકી બે દરિયાના પાણીમાં ડૂબવા લાગતા એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 15 વર્ષીય એક તરૂણ લાપતા બનતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ આશરે નવેક કલાકની જહેમત બાદ આ તરૂણનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો.

- Advertisement -

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મહેસાણાથી દ્વારકા દર્શનાર્થે આવેલા એક પરિવારના કાકા-ભત્રીજા, ભાણેજના કુલ પાંચ પરિવારજનો પૈકીના ત્રણ સદસ્યો મંગળવારે સવારના આશરે અગિયારેક વાગ્યાના સમયે દ્વારકાના પંચકુઈ વિસ્તારમાં આવેલા દરિયામાં નહાવા માટે ઉતર્યા હતા. જ્યારે અન્ય બે પરિવારજન દરિયાકાંઠે સામાનનું ધ્યાન રાખવા બેઠા હતા.

આ દરિયાના પાણીમાં કરંટ હોવાથી એક યુવાન તથા એક તરુણ ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓએ યુવાનને બચાવી લીધો હતો. જ્યારે તેની સાથે ન્હાવા પડેલો કાર્તિકસિંહ લાલસિંહ સોલંકી નામનો 15 વર્ષીય એક દરબાર તરુણ પાણીમાં લાપતા બની ગયો હતો. આ તરૂણની શોધખોળ કરવા માટે દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમ તાકીદે આ સ્થળે પહોંચી હતી અને તેની વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ મોડી સાંજે દરિયાના પાણીમાંથી આ તરૂણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ તરૂણની ભાળ મેળવવા માટે દ્વારકાની ફાયર ટીમ તથા રેસ્ક્યુ ટીમ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કાર્તિકનો નિષ્પ્રાણ દેહ મળી આવતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

- Advertisement -

આ બનાવ બનતા કાકા સાથે આવેલા કાર્તિકસિંહના માતા-પિતા મહેસાણાથી દ્વારકા આવવા માટે રવાના થઇ ગયા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા લાલસિંહ સોમસિંહ સોલંકી (રહે. દામાઠાકર મઢ, મહેસાણા) દ્વારા દ્વારકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular