ખંભાળિયા પંથકમાં ગઈકાલે સવારથી પુનઃ મેઘરાજાના મંડાણ થયા હતા. ગઈકાલે બપોરે સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે શરૂ થયેલો વરસાદ ભારે તથા હળવા ઝાપટા રૂપે અવિરત રીતે સાંજ સુધી વરસ્યો હતો. જેથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ 114 મીલીમીટર વરસી ગયાનું નોંધાયું છે.
આ વરસાદી હેલી ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસી હતી. ખાસ કરીને ખંભાળિયા- ભાણવડ પટ્ટીના ગામો ભટ્ટગામ, ભીંડા, માંઝા વિગેરે ગામોમાં પાંચ ઈંચ સુધી મુશળધાર વરસાદ વરસી જતા નદીમાં પુર આવી ગયા હતા. આટલું જ નહીં, અનેક ચેક ડેમો ઓવરફ્લો થઈ જતા પાણી વહેવા લાગ્યા હતા. ખેતરમાં ઉભા મોલ માટે કાચા સોના સમાન આ વરસાદથી ખાસ કરીને ધરતી પુત્ર ખુશખુશાલ બન્યા છે.
ભાણવડ તાલુકામાં પણ રાત્રે આઠ વાગ્યા સુધીમાં 42 મી.મી. વરસાદ વરસી ગયો હોવાનું જાહેર થયું છે.