દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પણ વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે જિલ્લાના પાંચ ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા અને અન્ય જળાશયોમાં નોંધપાત્ર પાણી સંગ્રહિત થયું છે. આજે સવારે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં ભાણવડ તાલુકામાં ગત રાત્રે 10 થી 12 દરમિયાન મુશળધાર દોઢ ઈંચ સાથે છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 4 ઈંચથી વધુ (102 મિલીમીટર) પાણી વરસી ગયું હતું. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને ગતરાત્રીના બારથી આજે સવારે છ વાગ્યા દરમિયાન ધોધમાર ત્રણ ઈંચ મળી કુલ ચાર ઈંચ (98 મિલીમીટર) વરસાદ વરસી ગયો હતો. જ્યારે આજે સવારે પણ હળવા ઝાપટા રૂપે 3 મિલીમીટર પાણી વરસી ગયું હતું.
આ ઉપરાંત દ્વારકા તાલુકામાં પણ ગત રાત્રીના નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં રાત્રે એકાદ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયેલા વરસાદથી સવા બે ઈંચ (57 મિલીમીટર) વરસાદ વરસી ગયાનું નામ શું છે.
ગઈકાલે ખંભાળિયા તાલુકામાં જિલ્લાનું સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. જો કે આખો દિવસ અવિરત રીતે મેઘાવી માહોલ વચ્ચે દિવસ દરમિયાન માત્ર હળવા તથા ભારે ઝાપટા રૂપે કુલ 22 મિમી તથા આજે સવારે પણ વધુ 3 મિલીમીટર વરસાદ વરસી ગયો છે.
આ સાથે મોસમનો કુલ વરસાદ આજે સવારે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 787 મિલીમીટર (94.80 ટકા), ખંભાળિયા તાલુકામાં 760 મિલીમિટર (96.80 ટકા), ભાણવડ તાલુકામાં 689 મિલીમીટર (98.01ટકા) જ્યારે ટકાવારીમાં સૌથી 108.11 ટકા સાથે દ્વારકા તાલુકામાં 538 મીલીમીટર મળી, જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 98.16 ટકા થઇ ચૂક્યો છે.
છેલ્લા બે દિવસથી અવિરત મેઘ સવારીથી જિલ્લાના અનેક નાના જળાશયો તરબતર બન્યા છે. જેની સીધી આવક મોટા જળાશયોમાં થવા પામી છે. આજરોજ સવારે તંત્ર દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ જિલ્લામાં વર્તુ-1, કબરકા, સોનમતી, કંડોરણા તથા મહાદેવીયા નામના પાંચ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે અન્ય ડેમમાં પણ નોંધપાત્ર પાણી સંગ્રહિત થઈ ગયું છે. ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમની સપાટી 6.10 ફૂટ યથાવત રહી છે.
ગઈકાલે રાત્રે ખંભાળિયા પંથકમાં અવિરત રીતે વીજળીના કડાકા ભડાકા થયા હતા. જેના કારણે વીજ વિક્ષેપ સર્જાયો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. આજે સવારે વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ વિરામ રાખ્યો છે. પરંતુ આજથી ત્રણ દિવસ સુધી ખંભાળિયા સહિત જિલ્લામાં મૂશળધાર વરસાદની આગાહી તંત્ર દ્વારા વ્યક્ત કરી માઈક મારફતે લોકોને સાવચેત કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમીધારે મેઘ મહેર, સવારથી મેઘ વિરામ
જિલ્લાના પાંચ ડેમ ઓવરફલો