નાણાંકિય વર્ષના અંત ભાગમાં આવકવેરા વિભાગે અમદાવાદમાં મોટું ઓપરેશન હાથ ધર્યુ છે. આજ સવારથી જ આવકવેરા વિભાગની ટુકડીઓએ બિલ્ડરો અને એસ્ટેટ બ્રોકરોને રપ જેટલાં ઠેકાણાઓ ઉપર દરોડાઓ પાડયા છે. આ કાર્યવાહીમાં પોલીસની મદદ સાથે આઇટી વિભાગના 200થી વધુ અધિકારીઓ જોડાયા છે.
ગુજરાતમાં 2022ના ચાલુ વર્ષમાં આવકવેરા વિભાગે પ્રથમ દરોડા ઓપરેશન હાથ ધર્યું હોય તેમ અમદાવાદમાં ટોચના બે બિલ્ડર ગ્રુપ તથા બે રીયલ એસ્ટેટ બ્રોકરો પર તવાઈ ઉતારી છે. 25થી વધુ સ્થળોએ દરોડા કામગીરીમાં 200 જેટલા અધિકારીઓ જોડાયા છે. રાજકોટથી પણ 20 સિનિયર અધિકારીઓને દોડાવવામાં આવ્યા છે.
આવકવેરા ખાતાનાં આધારભૂત વર્તુળોએ જણાવ્યું છે કે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાળા નાણાં તથા રોકડ વ્યવહારોની બાતમીના આધારે અમદાવાદના બે જાણીતા બિલ્ડર ગ્રુપો પર વ્હેલી સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યશ બ્રહ્મભટ્ટની માલિકીના શિલ્પ ગ્રુપ તથા ચિત્રાંગ શાહ-તરલ શાહની શિવાલીક ગ્રુપ પર દરોડા ઓપરેશન હાથ ધરાયું છે. તેમની સાથે કનેકશન ધરાવતા બે રીયલ એસ્ટેટ બ્રોકરો પર પણ તવાઈ ઉતારવામાં આવી છે. બિલ્ડર ગ્રુપના માલિકો-ભાગીદારોની ઓફિસો-રહેઠાણ તથા પ્રોજેક્ટ સાઈટ ઉપરાંત રીયલ એસ્ટેટ એજન્ટની ઓફિસો સહિત 25 જેટલા સ્થળોએ સવારથી દરોડા કાર્યવાહી શરુ કરવામાં આવી છે.રાજકોટથી ઇન્વેસ્ટીગેશન વિભાગના બે સિનિયર અધિકારીઓના વડપણ હેઠળની ટીમો ઉપરાંત સુરત-વડોદરાથી પણ અધિકારીઓને તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે.
આવકવેરા ખાતાના સુત્રોએ એમ જણાવ્યું છે કે ઓનમની પેમેન્ટ અર્થાત મિલકતની ઓછી રકમનો દસ્તાવેજ કરીને બાકીની રકમ કાળાનાણાં-રોકડથી મેળવવામાં આવતી હોવાની બાતમીના આધારે આ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોટી રકમના રોકડ વ્યવહારોનો પર્દાફાશ થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની કરચોરી ખુલવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.