ખંભાળિયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોય, અહીં અવારનવાર ઉપસ્થિત થતી ટ્રાફિક સમસ્યા તેમજ રસ્તા પર પાથરણાવાળાઓ, રેકડી-લારીવારાઓના કારણે ખાસ કરીને વાહન ચાલકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ખંભાળિયામાં તાજેતરમાં મૂકવામાં આવેલા નવનિયુક્ત જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. દ્વારા વેપારીઓ તથા આગેવાનો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પંથકમાં ટ્રાફિક નિયમન સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે હેતુથી જિલ્લા ટ્રાફિક શાખાના નવનિયુક્ત વુ.પી.એસ.આઈ. વી.એમ. સોલંકી દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વેપારનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં આવતા વાહનોના કારણે ટ્રાફિકના જટીલ પ્રશ્નો રહેતા હોય છે. આથી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ જળવાઈ રહે તે માટે વેપારીઓને પડતી મુશ્કેલીઓ જાણીને ટ્રાફિકને લગતા પ્રશ્નો પ્રજાજન તથા પોલીસ સાથે મળી એકબીજાના સહયોગથી નિરાકરણ લેવામાં આવે તે મુદ્દે આ બેઠકમાં વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણી વેપારીઓ, હોદ્દેદારો તેમજ આગેવાનો દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરી રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ લારીઓ તથા પાથરણા વાળાઓને તેઓની રોજી રોટી પણ ચાલુ રહે અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે રાખવા સૂચનો કર્યા કરવામાં આવ્યા હતા.