જામનગરમાં રહેતાં મુકેશ પ્રવિણચંદ્રભાઇ દાસાણીએ ઇફ્કો ટાકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ પાસેથી કોરોના રક્ષક પોલીસી લીધી હતી. આ પોલીસીનાં સમયગાળા દરમ્યાન ફરિયાદીને કોરોનાની બિમારી થતાં હોસ્પીટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ સામાવાળા સમક્ષ કલેઇમ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી દ્વારા ક્લેઇમ ફોર્મ તથા જરૂરી તમામ સારવારનાં કાગળો, રીપોર્ટ વિગેરે સામાવાળાને મોકલી આપવામાં આવ્યા હતાં અને પોલીસી મુજબની મળવાપાત્ર રકમ રૂા. 1,50,000/- ક્લેઇમ નોંધાવવામાં આવ્યો હતો.
ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ક્લેઇમ મંજુર કરવાને બદલે ડાયાબીટીસની બીમારી છુપાવેલ છે તેવા ખોટા કારણોસર ક્લેઇમ નામંજુર કર્યો હતો. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ફરિયાદીનો ક્લેઇમ ખોટા અને વાહીયાત કારણો આપી રદ કરતાં ફરિયાદીએ તેમનાં વકીલ મારફત ઇન્સ્યોરન્સ કંપનીને લીગલ નોટીસ મોક્લવામાં આવી હતી. જે નોટીસ બજી ગઇ હોવા છતાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા નોટીસનો કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી ફરિયાદી દ્વારા ઇફ્કો ટોડીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનના અધ્યક્ષ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે ફરિયાદ ચાલી જતાં ફરિયાદીનાં વકીલ મારફત વિસ્તૃત દલીલો તથા પુરાવાઓ ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન જામનગરનાં પ્રમુખ ડી. એ. જાડેજા, મેમ્બર જે. એચ. મકવાણા તથા મેમ્બર એચ. એસ. દવે દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરી ફરિયાદી મુકેશભાઈ પ્રવિણચંદ્રભાઈ દાસાણીને રૂ. 1,50,000 6 % વ્યાજ સહિત તથા માનસીખ દુ:ખ ત્રાસ વળતરના રૂા. 5,000/- તથા ફરિયાદ ખર્ચના રૂા. 3,00/- ચુકવી આપવા ઇફ્કો ટોકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ વિરૂધ્ધ હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરિયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ. નાનાણી રોકાયેલા હતાં.