ઇરાકના દક્ષિણ શહેર નસીરિયાની અલ-હુસૈન કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં 2 આરોગ્યકર્મચારી સહિત 44 લોકોનાં મોત નીપજ્યાં અને 67 લોકો ઘાયલ થયા હતા. આગને કાબૂમાં લેવામાં આવી છે. કોવિડ વોર્ડમાં ઓક્સિજન-ટેન્કમાં વિસ્ફોટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ ઘટના બાદ વડાપ્રધાન મુસ્તફા અલ-કદમીએ વરિષ્ઠ પ્રધાનોની બેઠક બોલાવી છે, જેમાં નસીરિયા હોસ્પિટલના સિક્યોરિટી મેનેજરોને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે અકસ્માત દરમિયાન આરોગ્યકર્મચારીઓએ કોવિડ હોસ્પિટલમાંથી સળગતા મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે ધુમાડાને કારણે ઘણા દર્દીઓ ઉધરસ ખાતા હતા. આ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેથી આગ લાગવાનું કારણ જાણી શકાય. ઘણા લોકો લાપતા થયા હોવાનું જણાવાયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
એપ્રિલની શરૂઆતમાં બગદાદની કોરોના હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 82 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 110 લોકો ઘાયલ થયા હતા. યુદ્ધ અને પ્રતિબંધો દ્વારા પહેલેથી જ નષ્ટ થઈ ચૂકેલા ઇરાકના આરોગ્ય વિભાગને કોરોના વાયરસ સામે લડવા માટે પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં આ મહામારીને કારણે 14.38 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે, જ્યારે17,592 લોકો મૃત્યુ પામ્યા છે.
ઇરાકમાં કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ : 44 ભૂંજાયા
ઓક્સિજન ટેન્કમાં વિસ્ફોટથી સર્જાઇ દુર્ઘટના