રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જામનગરમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.13ના રોજ મેરેથોન અને તા.14ના રોજ સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં ઓશવાળ ઇંગ્લીશ એકેડમી ખાતેથી મંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ કરી દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, મેરેથોન માત્ર દોડ નથી, તે સંકલ્પ, શિસ્ત અને સ્વસ્થ જીવન તરફનું પગલું છે. આજના યુગમાં, જ્યાં અસ્વસ્થ જીવનશૈલી અને તણાવ વધી રહ્યા છે, ત્યાં આવા કાર્યક્રમો આપણને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે. સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે.સરકાર દ્વારા પણ રમતગમત, આરોગ્ય અને તંદુરસ્તી માટેની યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જનજાગૃતિ અને સ્વસ્થ જીવન માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મેદસ્વીતા મુક્ત ભારત અને ફીટ ઇન્ડિયા અભિયાન શરુ કરાવ્યું છે.
View this post on Instagram
આ મેરેથોનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જામનગરવાસીઓ ખાસ કરીને યુવાનો, મહિલાઓ, વડીલોની ઉત્સાહભરી ભાગીદારી જોઈને મને ખૂબ ગર્વ થાય છે. જીત મહત્વની છે, પરંતુ ભાગ લેવું અને પ્રયત્ન કરવો વધુ મહત્વનું છે. આજે અહીં હાજર દરેક દોડનાર સાચો વિજેતા છે.
મેરેથોનનો રૂટ ઓશવાળ ઇંગ્લીશ એકેડમી, ઇન્દિરા માર્ગ, સાત રસ્તાથી નવા ફ્લાય ઓવરબ્રિજ, ગુરૂદ્વારા જંકશન, નાગનાથ જંકશને થઇ યુટર્ન લઇ પરત ઓશવાળ ઇંગ્લીશ એકેડમી ખાતે પૂર્ણ થયો હતો. ઉલ્લેખનીય છે કે આવતીકાલ તા.14 ડીસેમ્બરના રોજ પણ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોન અને સાયકલોથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને વિજેતાઓ માટે સાયકલનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.
આ દોડમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કમિશ્નર ડી.એન.મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, એ.એસ.પી. પ્રતિભા, પ્રાંત અધિકારી અદિતિ વાર્ષને, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) બ્રિજેશ કાલરીયા, કોર્પોરેટરઓ, અગ્રણીઓ, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


