Wednesday, July 3, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં અનેક ખેતરો તળાવમાં ફેરવાયા

દ્વારકા જિલ્લામાં અનેક ખેતરો તળાવમાં ફેરવાયા

કાચા સોના જેવા વરસાદથી સર્વત્ર ખુશીનો માહોલ, ઘી ડેમમાં એક માસનું નવું પાણી આવ્યું -

- Advertisement -
 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ત્યારે ભાણવડ તાલુકાને બાદ કરતા જિલ્લાના તમામ ત્રણ તાલુકાઓમાં સચરાચર ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં જળસ્ત્રોતો છલકાઈ ગયા છે.
     દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં બે દિવસના સમયગાળા દરમિયાન પાંચથી સાતે ઈંચ સુધીનો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે અનેક ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હતા. આ સાથે અનેક નદીઓમાં ઘોડાપૂર ઉમટતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કેટલાક સ્થળોએ તો જાણે ઝરણા વહેતા થયા હોય તેવું પણ જોવા મળ્યું હતું. જિલ્લામાં અનેક નાના ચેક ડેમો થઈ ગયા છે.
       ખંભાળિયામાં રામનાથ રોડ પર રસ્તામાં બે-ત્રણ ફૂટ પાણી ભરાતા અહીં સર્જાયેલા સ્વિમિંગ પૂલમાં નાના બાળકોએ નાહવા તેમજ તરવાની મજા માણી હતી. ખંભાળિયા તાલુકાના બેરાજા, ઝાકસીયા નાના આસોટા વિગેરે તેમજ કલ્યાણપુર તાલુકાના વીરપર, મેવાસા, મોટા આસોટા, વિગેરે ગામોમાં રવિવારે ચારથી પાંચ ઈંચ સુધી વરસાદ વરસતા ખેતરો તેમજ આ ભાગો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે ગઈકાલના વરસાદથી અનેક તળાવો અને ચેક ડેમો છલકાઈ ગયા છે. ભાટિયાના ભોગાત વિસ્તારમાં ભારે વરસાદના પગલે ભાટિયાની બજારમાં પાણી ભરાયા હતા. આ સાથે ભાટિયા – ભોગાત માર્ગ પર વરસાદી પાણીના કારણે થોડો સમય વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
     કલ્યાણપુર તાલુકાના સિધ્ધપુરથી ગઢકા વચ્ચેનો માર્ગ છેલ્લા આઠેક વર્ષથી ખસ્તા હાલતમાં હોવાના કારણે ગઈકાલના ભારે વરસાદથી આ રસ્તા પર ત્રણ-ત્રણ ફૂટ પાણી ફરીવળતા અનેક વાહન ચાલકો ફસાયા હતા અને આ રસ્તે વાહનો બંધ પણ થઈ ગયા હતા.
     દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાડા ત્રણ ઈંચથી 10 ઈંચ સુધીના વરસી ગયેલા બે રાઉન્ડ બાદ અનેક ખેડૂતો વરસાદનો ત્રીજો અને મોટો રાઉન્ડ આવે તે માટેની રાહ જોઈ રહ્યા હતા. કાગડોળે ભારે વરસાદની મહેચ્છા ધરતીપુત્રોની આજે પૂર્ણ થઈ છે. ખંભાળિયા સહિત જિલ્લાના અનેક નાના તળાવો ચેકડેમો તરબતર બન્યા છે. મોટી સંખ્યામાં જળ સ્ત્રોતોમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
      આ વચ્ચે મહત્વની બાબત તો એ છે કે ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં એક માસ ચાલે તેટલું એક ફૂટ નવું પાણી આજે સવારે આવી ગયું છે. જેથી નગરજનો પણ ખુશખુશાલ બન્યા છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular