લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા અને ખેતી કરતા યુવકના ઘરમાં તેના જ ગામના શખ્સે ઘુસી જઈ અને હું જેલમાં ગયો ત્યારે કેમ મદદ ન કરી ? તેનો ખાર રાખી લાકડી વડે આડેધડ ઘા મારી હુમલો કર્યો હતો અને યુવકની માતાને પણ માર મારી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતાં અને ખેતી કરતા મયુરભાઈ મનસુખભાઈ બુઢડિયા (ઉ.વ.22) નામનો યુવક ગત તા.24ના રોજ બપોરના સમયે તેના ઘરે હતો ત્યારે ગામમાં રહેતો વિપુલ રસિક બુઢડિયા નામના શખ્સે લાકડી સાથે ઘરમાં પ્રવેશ કરી મયુરને કહ્યું કે, ‘હું જેલમાં ગયો ત્યારે તમે કોઇએ મને મદદ કેમ કરી ન હતી ?’ તે બાબતનો ખાર રાખી મયુર ઉપર લાકડી વડે આડેધડ ઘા ઝીંકી પગમાં તથા માથામાં ઈજા પહોંચાડી અપશબ્દો કહ્યા હતાં તેમજ યુવકની માતા પાર્વતીબેનને લાકડીનો ઘા મારી ફડાકો ઝીંકી હાથમાં ઈજા પહોંચાડી હતી અને માતા-પુત્ર સહિત પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.