તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવતાં અને કેરીનો પાક ખરી પડતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના બીજા દિવસે જમીન પર ખરી પડેલી 17130 ટન કેરી વેચવા માટે ખેડૂતોએ એપીએમસી માર્કેટ અને મંડળીઓમાં લાઈન લગાવી હતી. વાવાઝોડા પહેલાં જે હાફુસ અને કેસરનો ભાવ ખેડૂતોને 1100થી 1400 રૂપિયા મણ મળતો હતો એ વાવાઝોડા બાદ 200થી 400 રૂપિયા મણ મળતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. સુરત જિલ્લામાં 3063 હેકટર જમીન પર કેરીનો પાક તૈયાર થયો હતો.
વાવાઝોડાને કારણે કેરી ખરી પડતાં બીજા દિવસે ખેડૂતોએ એપીએમસી માર્કેટમાં વેચવા માટે લાઈન લગાવી હતી. સુરત એપીએમસી માર્કેટમાં અંદાજિત 8 હજાર ટન કેરી વેચાવા માટે આવી પહોંચી હતી. જિલ્લામાં રૂ. 1100થી 1400ના ભાવે વેચાતી કેસર કેરી બુધવારે 100 રૂપિયે મણ વેચાઈ હતી.
નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે 34 હજાર હેકટરમાં કેરીનો પાક તૈયાર થયો હતો, જેમાં 40 ટકા કેરી અગાઉ ઉતારી લેવાઈ હતી, બાકી રહેલી 60 ટકા કેરીમાંથી 40 ટકા કેરી વાવાઝોડાને પગલે ખરી પડી હતી. વાવાઝોડા પહેલાં કેસર અને હાફુસનો ભાવ રૂ. 1500થી 2000 મણ હતો, જે બુધવારે 200થી 800 રૂપિયે મણ વેચાઈ હતી. નવસારી સહિત જિલ્લાની અન્ય માર્કેટોમાં અંદાજિત કુલ 2000 ટન કેરી આવી હતી.
જમીન પર ખરી પડેલી 7130 ટન કેરી છેલ્લા 2 દિવસમાં પારડી, ઉદવાડા, ધરમપુર, નાનાપોંઢા, ભીલાડ, વલસાડ સહિતની એપીએમસીમાં ઠલવાઈ છે. જે હાફુસ- કેસર વાવાઝોડા પહેલાં 1200 રૂપિયે મણ હતી એ બુધવારે 300 રૂપિયે મણ વેચાઈ હતી. કેસર સહિતની બાકીની કેરીના ભાવ તળિયે જઇ રૂ.200 બોલાયા હતા.ઉદવાડામાં હાફુસ રૂ.400 મણ વેચાઈ હતી. કેનિંગ માટે (રસ માટે) 1 મણના રૂ.150થી 200 ખેડૂતોને અપાયા હતા. લોકો સીઝનમાં ખાવા માટે કેરી ખરીદે એ પહેલાં વાવાઝોડું આવીને કેરીના પાકને નુક્સાન કર્યું હતું. હવે આંબા પર જે કેરી બાકી છે એના સારા ભાવ ખેડૂતોને મળશે. હાલમાં ખરી પડેલી કેરી કેનિંગમાં આપવા માટે ખરીદી છે. – અરુણ ત્રિપાઠી, વેપારી અગ્રણી, એપીએમસી, તાઉ-તે વાવાઝોડાને કારણે સુરત જિલ્લામાં ખેતીના પાકને થયેલા નુકસાનનો તાગ મેળવવા ગુરુવારથી સરવે કરાશે. જિલ્લાના ઓલપાડ, માંગરોળ, પલસાણા, ઉમરપાડા, બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા તાલુકામાં ડાંગર અને બાગાયતના પાક મળીને જિલ્લામાં 200 કરોડથી વધુનું નુકસાન થયું છે. જિલ્લા પંચાયતના ડીડીઓ ડી.એસ. ગઢવીના જણાવ્યા મુજબ, આ નુકસાનીનો આંક મેળવવા માટે સરકારની સૂચના મુજબ સરવે શરૂ કરાશે. જિલ્લામાં 10 દિવસથી ડાંગરના પાકની કાપણી ચાલુ હતી. બે વર્ષથી ખેડૂતો પાકની કાપણી માટે હાર્વેસ્ટર મશીનો ભાડે લે છે. આણંદ તારાપુર સહિતના વિસ્તારોમાંથી આશરે 150 હાર્વેસ્ટર મશીનો લઈને માલિકો સુરત જિલ્લામાં આવ્યા, પણ વાવાઝોડાને કારણે કાપણી ન થતાં મશીનમાલિકોને મશીનદીઠ રૂ. 1 લાખથી વધુનું નુકસાન પહોંચ્યું છે. તારાપુરથી આવેલા અજિત પરમારે કહ્યું હતું કે આ વખતે કમાવવાના બદલે ગુમાવવાનો વારો આવ્યો છે.