Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરપૂર્વ કૃષિમંત્રી અને બિલ્ડરને સોશિયલ મિડિયાના માધ્યમથી બદનામ કરનાર શખ્સ રિમાન્ડ પર...

પૂર્વ કૃષિમંત્રી અને બિલ્ડરને સોશિયલ મિડિયાના માધ્યમથી બદનામ કરનાર શખ્સ રિમાન્ડ પર – VIDEO

નેપાળમાં બેસીને સોશિયલ મિડિયાની પોસ્ટ અપલોડ કરી બદનામ કરતો : ભારતમાં આવ્યા બાદ પોલીસે દબોચ્યો : આઠ દિવસના રિમાન્ડ પર પૂછપરછ

જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ તથા અગ્રણી બિલ્ડર પિતા-પુત્રને સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા બદનામ કરનાર વિશાલ કણસાગરા નામના શખ્સને સાયબર ક્રાઇમ પોલીસે નેપાળથી ભારત આવ્યા બાદ દબોચી લઇ જામનગર લઇ આવ્યા બાદ અદાલતમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઇ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મિડિયામાં બદનામ કરવાના ઇરાદે કાવતરું રચી બે આઇડીધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિમંત્રી અને જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ પણ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોતાને સોશિયલ મિડિયામાં ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બદનામ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ ઉપરાંત જામનગરના અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ સાયબર ક્રાઇમ પોલીસમાં વિશાલ કણસાગરા નામની આઇડીધારક સામે ખંડણી માંગવા સંદર્ભે તેમજ સોશિયલ મિડિયામાં પોતાની બદનામી કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસે આ પ્રકરણમાં હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના જામનગરના બે આરોપીઓની અટકાયત કરી હતી. આ બન્નેને રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં બન્નેને જેલહવાલે કરવામાં આવ્યા છે. જ્યારે આ પ્રકરણનો માસ્ટર માઇન્ડ વિશાલ કણસાગરા જે પકડાયેલા આરોપી હેમતલાલ કણસાગરાનો પુત્ર થાય છે. તે ફરાર હતો અને પોતે જ સોશિયલ મિડિયામાં પોસ્ટ મૂકી રહ્યો છે તે બાબતની ચોક્કસ કડી જામનગર સાયબર ક્રાઇમને મળી હતી.

દરમ્યાન નેપાળમાંથી પોસ્ટ મૂકીને સોશિયલ મિડિયામાં નાણાં પડાવવા માટે બિલ્ડર વગેરેને આ શખ્સ બદનામ કરતો હતો. જે ભારતમાં આવ્યો હતો. તે દરમયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસે તેનું લોકેશન શોધીને તેની અટકાયત કરી હતી. આ આરોપીને અદાલત સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવતાં અદાલતે તેના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular