જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસેથી પસાર થતી રાજકોટ પાસીંગની કારને એસઓજીની ટીમે આંતરીને તલાસી લેતા તેમાંથી 24 બેટરીઓ મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઇ આગળની પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર એસઓજીના અરજણ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, રમેશ ચાવડા, ચંદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સમર્પણ સર્કલ પાસેથી કારમાં મોબાઇલ ટાવરની બેટરીઓ સાથે શખ્સ પસાર થવાનો છે તેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમાર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની જીજે-03-એલબી-0646 નંબરની ઈકો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.28,800 ની કિંમતની 24 બેટરીઓ મળી આવતા દિનેશ ઉર્ફે રાજુ રાયદે આંબલીયા (રહે. જામનગર) નામના શખ્સ પાસે બેટરીના આધાર પુરાવા ન હોવાથી એસઓજીની ટીમે શક પડતી મિલકત તરીકે બેટરી તથા કાર મળી કુલ રૂા.3,28,800 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.