આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી તથા હેડ કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામે રહેતા સુરેશ ઉર્ફે સુરિયો ખેતાભાઈ વાઘેલા નામના 20 વર્ષના શખ્સને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા તેની પાસેથી વીવો કંપનીનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેની પૂછપરછમાં તેની પાસે આ મોબાઈલ ફોનના કોઈ બિલ કે આધાર પુરાવા ન હતા.
જેથી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સે તેની પાસે રહેલો મોબાઈલ ફોન તેની બાજુમાં રહેતા એક આસામીના ઘરમાંથી તાળું તોડીને મેળવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. આથી પોલીસે તેની અટકાયત કરી, વધુ પૂછપરછ અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપ્યો છે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.