જામનગર શહેરના મોદીવાડ વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર ક્રિકેટ રમતા બાળકોની બાબતે બોલાચાલી કરી એક શખ્સે ફડાકા મારી બેટ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મોદીવાડ ટીંબાફળીમાં રહેતાં શબીરભાઈ અબ્બાસભાઈ છત્રીસા નામના યુવાનના પત્ની સાથે તેના જ વિસ્તારમાં રહેતા રીયાઝ કાદર ગજાઈ નામના શખ્સે શેરીમાં ક્રિકેટ રમતા છોકરાઓ બાબતે બોલાચાલી અને ઝઘડો કરી ગાળો કાઢી હતી. જેથી યુવાન શખ્સને સમજાવવા ગયો ત્યારે રીયાઝે યુવાનને થપ્પાટો મારી લાકડાના બેટ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણના આધારે હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.