જામનગર શહેરના વૂલન મીલ પાછળ આવેલી ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતાં શખ્સના વાહનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રૂા. 6,39,600ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં વૂલન મીલ પાછળ આવેલી ડિફેન્સ કોલોનીમાં પીકઅપ વાહનમાં દારૂનો જથ્થો હોવાની હે.કો. યુવરાજસિંહ જાડેજા, પો.કો. મયૂરસિંહ જાડેજા, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતીમના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. બી. ડાભી, પીએસઆઇ કે. એચ. ચાવડા, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, હે.કો. હર્ષદભાઇ પરમાર, શિવભદ્રસિંહ જાડેજા, નારણભાઇ સદાદિયા, યુવરાજસિંહ જાડેજા, ખીમશીભાઇ ડાંગર, પો. કો. મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન પોલીસે કાયા કરશન સાખરા નામનો શખ્સ જીજે10 ટીવાય 0384 નંબરની પીકઅપ વાહન સાથે ઉભો હતો. ત્યારે પોલીસે તલાશી લેતાં પીકઅપ વાહનમાંથી રૂા. 6,39,600ની કિંમતની 1452 નંગ જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો અને ચપલા મળી આવતાં પોલીસે કાયા સાખરાની ધરપકડ કરી તેની પાસેથી રૂા. પાંચ હજારની કિંમતનો મોબાઇલ, દારૂનો જથ્થો અને પીકઅપ વાન મળી કુલ રૂા. 11,44,600ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થામાં જીજ્ઞેશ ઉર્ફે જીગો રહીશ વિનોદ ખીચડા તથા દીપક ઉર્ફે અટાપટ્ટુ જમનાદાસ જેઠવાણી નામના બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


