ભાણવડ પંથકમાં રહેતા એક ગેરેજ સંચાલકે અરવલ્લીથી ટ્રેક્ટર ભાડે લઈને માત્ર આર.સી. બુક બતાવીને ખંભાળિયા તાલુકાના ખેડૂતોને યુક્તિપૂર્વક વેચી નાખવાના પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે દિલાવર ઉર્ફે દિલો સંધિ નામના શખ્સને દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની સિલસિલા બંધ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ભાણવડ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ હુણ તથા નિતેશભાઈ સાદીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા દિલાવર ઉર્ફે દિલો મજીદભાઈ ઓસમાણ સમા નામના 50 વર્ષના સંધિ શખ્સ કે જે ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરે છે, તેના દ્વારા અરવલ્લી વિસ્તારમાં રહેતા જુદા જુદા છ આસામીઓ પાસેથી ટ્રેકટરો ભાડે ચલાવવા માટે રાખવાનું કહી અને ટ્રોલી સાથેનું ટ્રેક્ટર મેળવ્યા બાદ ભાણવડ વિસ્તારમાં આવીને અલગ અલગ ગામના ખેડૂતોને વિશ્વાસમાં લઈ, માત્ર આરસી બુકની નકલ બતાવીને આ છ જેટલા ટ્રેક્ટરનું વેચાણ કર્યું હોવાનું ખુલવા પામ્યું હતું.
જે અંગે આરોપી દિલાવર ઉર્ફે દિલો સમા સંધિ દ્વારા આપવામાં આવેલી કબુલાત બાદ આને અનુલક્ષીને ખરાઈ કરી બાયડ પોલીસ મથકનો સંપર્ક કરીને આરોપીનો કબજો અરવલ્લીના બાયડ પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. કે. કે. ગોહિલ, પી.એસ.આઈ. કે.એમ. જાડેજા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, નિર્મલભાઈ આંબલિયા, નિતેશભાઈ સાદિયા તથા દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.


