આ વર્ષે જ મધ્ય પ્રદેશ સહિત ચાર રાજયની વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે આજે મધ્ય પ્રદેશમાં ભૂતપૂર્વ ડાકુ મલખાન સિંહ પોતાના ટેકેદારોની સાથે આજે કોંગ્રેસમાં જોડાયા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા પછી મલખાન સિંહે કહ્યું હતું કે પહેલા અન્યાયની સામે બંદૂક ઉઠાવી હતી અને હવે અત્યાચારો સામે. ભૂતપૂર્વ ડાકુ મલખાન સિંહ કોંગ્રેસમાં જોડાયા છે, પરંતુ આ પહેલા તેઓ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં પણ રહી ચૂક્યા છે. 2014માં મલખાન સિંહે ભાજપનો પ્રચાર કર્યો હતો અને તેમના દ્વારા પીએમ મોદીના ક્ષેત્રમાં પ્રચાર પ્રસાર કર્યો હતો. તેમને ભાજપ તરફથી ટિકિટ મળવાની અપેક્ષા હતી, પરંતુ એમ થયું નહોતું. ત્યાર બાદ 2019માં મલખાનસિંહ ભાજપ સાથે અંતર રાખવા લાગ્યા હતા. ભાજપમાં મહિલાઓ સામે અત્યાચાર અને અન્ય ગુનાહિત કેસ વધે છે. મોટી મોટી જાહેરાત કરવા છતાં જનતાને કંઈ મળતું નથી, તેથી કોંગ્રેસમાં જોડાયા છે. હવે તેઓ કમલનાથનો ફરી એક વખત પ્રચાર કરશે, એમ તેમણે જણાવ્યું હતું. ચંબલના બીહડના જાણીતા મલખાનસિંહની જોરદાર ધાક હતી. એક જમાનામાં તેમને શોધવા માટે ત્રણ રાજયની પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા, પરંતુ પોલીસને હાથ લાગ્યા નહોતા. ચંબલના બીહડમાં 10 વર્ષથી વધુ સમય સુધી પોતાનું સામ્રાજય ચલાવ્યું હતું. મલખાન સિંહનો જન્મ ભિંડના બિલાવ ગામમાં થયો હતો. બિલાવ ગામમાં મલખાન સિંહ ભલે ઓછું ભણેલા હતા, પરંતુ ગુનાની દુનિયામાં તેમની સામે ટક્કર ઝીલી શકે એમ કોઈ નહોતું. તેમને લોકો ડાકુઓનો રાજા તરીકે પણ ઓળખે છે, જયારે તેની સામે 92 ગુના નોંધાયેલા છે, જયારે તત્કાલીન મુખ્ય પ્રધાન અર્જુન સિંહની સમક્ષ સરેન્ડર કર્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને તત્કાલીન મુખ્ય પ્રધાન અર્જુન સિંહે મલખાન સિંહને આત્મસમર્પણ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. મલખાન સિંહે તેના સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યા પછી 6 વર્ષ જેલના સળિયા પાછળ વિતાવ્યા. આ પછી મલખાન સિંહને મુક્ત કરવામાં આવ્યો. તે સમયે મલખાન સિંહનો આતંક માત્ર મધ્ય પ્રદેશમાં જ નહીં, પરંતુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ ફેલાયો હતો.