કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 70મો દિવસ છે. આંદોલનને મજબૂત કરવા માટે ખેડૂતો સતત દિલ્હી પહોંચી રહ્યા છે. જ્યારે હરિયાણાના જિંદ જિલ્લાના કંડેલા ગામમાં આજે ખેડૂતોએ મહાપંચાયત બોલાવી છે, જેમાં 50 હજાર લોકો ભેગા થવાની શક્યતા છે.
ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે મંગળવારે એલાન કર્યું હતું કે ખેડૂત આંદોલન ઓક્ટોબર પહેલા ખતમ નહીં થાય, કિસાન નેતાએ સરકાર વિરુદ્ધ નવો નારો પણ આપ્યો હતો કે, કાનૂન વાપસી નહીં તો ઘર વાપસી પણ નહીં. કિસાન યૂનિયન નેતા ટિકૈતનું કહેવુ હતું કે ખેડૂતોના વિરોધ રાજકીય નથી અને અહીં કોઇપણ રાજકીય દળના નેતાને મંચ પર સ્થાન કે માઇક આપવામાં આવ્યું નથી. પ્રદર્શનકારી ખેડૂતો નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. જોકે પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલન વધુ ધારદાર બન્યુ હતું, જેમાં વિપક્ષ નેતાઓ પણ ખેડૂત યૂનિયન નેતાઓની સતત મુલાકાત લઇ રહ્યા છે.
બીજી બાજુ, ગાઝીપુર બોર્ડર પર આંદોલનની કમાન સંભાળતા ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ જિંદની મહાપંચાયતમાં સામેલ થવાના છે. આ પહેલાં ટિકૈતે મંગળવારે કહ્યું હતું કે અમે સરકારને ઓક્ટોબર સુધીની ટાઈમલાઈન આપી છે. જો ત્યાં સુધી પણ ઉકેલ નહીં આવે તો આખા દેશમાં ટ્રેક્ટર રેલી નીકળશે, જેમાં 40 લાખ ટ્રેક્ટર સામેલ થવાનો અંદાજ છે. આ દરમિયાન આંદોલન પણ ચાલતું રહેશે. 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા પછી જે લોકો નથી મળી રહ્યા અથવા અટકાયતમાં છે તેમની મદદ માટે સંયુક્ત મોર્ચાએ લીગલ ટીમ બનાવી છે. ટીમના સભ્યોએ જણાવ્યું છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. ત્યાંથી માહિતી મળી છે કે 115 લોકોને તિહાર જેલમાં બંધ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની લીગલ સેલે હિંસા મામલે ખેડૂતોને મદદની ઓફર આપી છે.
કોંગ્રેસે કહ્યું છે કે એક લીગલ ટીમ ખેડૂતનેતાઓને મળશે. ખેડૂત સંગઠને જાહેરાત કરી દીધી છે કે 6 ફેબ્રુઆરીએ નેશનલ અને સ્ટેટ હાઈવેને જામ કરવામાં આવશે. ભારતીય કિસાન મોર્ચાના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઈવેને બ્લોક કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું છે કે 128 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે, તેમની કાયદાકીય મદદ માટે કમિટી બનાવામાં આવી છે.