આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે અને તેઓ બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ગુગળી બ્રાહ્મણ અગ્રણીઓના સંકલનથી તા. 21 ના રોજ સાંજે 7 વાગ્યે ગોમતી ઘાટ ખાતે મહા આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના વિવિધ 16 સ્થળોએ દીપ પ્રાગટ્ય, ઈલેક્ટ્રીક રોશનીથી 5 લાખ દિવડાની રોશની કરવામાં આવશે. આ મહા આરતીમાં ગૂગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તેમજ કાર્યક્રમને લઈને નિયુક્ત અધિક કલેકટર એમ.કે. જોષી, પ્રાંત અધિકારી ભગોરા તેમજ ગુગળી બ્રાહ્મણના અગ્રણીઓના સંકલનથી આ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બુધવારે સાંજે યોજાનાર મહા આરતીમાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તેમજ તમામ નાગરિકોને જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.