કેન્દ્ર સરકારે દેશની મેડિકલ કોલેજોના અખિલ ભારતીય ક્વોટામાંથી આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામતનો અમલ કરતા પહેલાં કોર્ટની મંજૂરી લેવી જરૂરી છે એવો મદ્રાસ હાઇકોર્ટનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, તેણે 25 ઓગસ્ટે હાઇકોર્ટ દ્વારા અપાયેલો સમગ્ર ચુકાદો રદ કર્યો નથી અથવા ચુકાદાની યોગ્યતા પર પણ તેણે કોઈ ટિપ્પણી કરી નથી. તેણે માત્ર આર્થિક રીતે નબળા વર્ગોના ક્વોટા અંગે સુપ્રીમ કોર્ટની મંજૂરી અંગે કરાયેલી ટિપ્પણીને માન્ય રાખી નથી.
જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને બી વી નાગરત્નની બેન્ચે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે તમિલનાડુના શાસક પક્ષ ડીએમકે દ્વારા કરાયેલી બદનક્ષીની અરજીની સુનાવણી વખતે આવો અભિપ્રાય આપવો જોઇએ નહીં. આવું કરીને કોર્ટે તેના ‘અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન’ કર્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્રને પાંચ જજની બેન્ચની મંજૂરી લેવા જણાવ્યું છે. આ બેન્ચ આર્થિક વર્ગના 10 ટકા ક્વોટા માટે બંધારણમાં કરાયેલા સુધારાની કાયદેસરતાને પડકારતી અરજીની સુનાવણી કરી રહી છે. બેન્ચે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે બદનક્ષીની અરજીની સુનાવણી વખતે તેના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના આદેશને પડકારતી કેન્દ્રની અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે જણાવ્યું હતું કે, તે 7 ઓક્ટોબરે કેન્દ્રના 29 જુલાઇના નોટિફિકેશનને પડકારતી એકથી વધુ અરજીઓની સુનાવણી કરશે. નોટિફિકેશનમાં મેડિકલ કોર્સિસના અભ્યાસક્રમોમાં અન્ય પછાત વર્ગોને 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત આપવાની જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજને 6 ઓક્ટોબર સુધીમાં સંયુક્ત કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે 7 ઓક્ટોબરે આગામી સુનાવણી કરશે.