પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીના કહેવા પ્રમાણે છૂટક ઈંધણ વેચતી કંપનીઓએ તેમને થઈ રહેલા નુકસાન મામલે સરકાર પાસેથી રાહતની માગણી કરી છે. કોસ્ટ (ખર્ચ)માં વધારો થવા છતાં પણ લગભગ છેલ્લા 2 મહિનાથી ઈંધણની કિંમતો સ્થિર જોવા મળી રહી છે. આ કારણે પેટ્રોલિયમ કંપનીઓએ તેમને થઈ રહેલા નુકસાન (અંડર-રિકવરી)ની ફરિયાદ શરૂ કરી દીધી છે. પેટ્રોલ મામલે આ નુકસાન 17.1 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ મામલે આ નુકસાન 20.4 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જોકે, હરદીપ સિંહ પુરીએ કિંમત નિર્ધારણ મુદ્દે કંપનીઓએ નિર્ણય લેવાનો છે તેમ પણ જણાવી દીધું હતું. એક રિપોર્ટ પ્રમાણે ખાનગી પેટ્રોલિયમ રિફાઈનરી કંપનીઓ રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઈલ આયાત કરીને તૈયાર પેટ્રોલિયમ ઉત્પાદન અમેરિકાને નિકાસ કરીને ઘણો સારો નફો કમાઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રીએ આ અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવાની મનાઈ કરી દીધી હતી. તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉર્જાની કિંમતોમાં તેજીના કારણે તેલ અને ગેસ કંપનીઓને જે અત્યાધિક ફાયદો થઈ રહ્યો છે તેના પર ટેક્સ લગાવવા મુદ્દે નિર્ણય લેવા માટે નાણા મંત્રાલય યોગ્ય ઓથોરિટી છે.