ભગવાન દ્વારકાધીશના કારણે દેવભૂમિ દ્વારકા વિશ્વના નકશા ઉપર સુવિખ્યાત બન્યું છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દેશ-વિદેશથી કાળિયા ઠાકોરના ચરણોમાં શીષ ઝૂકાવવા આવે છે. જગત મંદિરમાં પુજારી પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપને અલગ અલગ ઉત્સવ મુજબ શણગાર સજાવી લાડ લડાવવામાં આવે છે.
ઉત્સવો મુજબ શ્રીજીના શ્રી અંગને વાઘા અર્પણ કરાતા હોય છે. ત્યારે મહાશિવરાત્રીના પર્વ નિમિતે ભગવાન દ્વારકાધીશના શ્રી અંગ પર દેવોના દેવ મહાદેવના સ્વરૂપને અંગીકાર કરાયો હતો. જેના કારણે ભક્તોને શ્રીજીના દર્શનમાં ફક્ત હરિના નહીં પણ હરીહરના દર્શનનો લાભ થયો હતો. વારાદાર પુજારી પ્રવીણભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આમ તો હરિના દર્શનથી જ ભક્તો મંત્રમુગ્ધતા હોય છે, પરંતુ હરીહરના દર્શન કરી લોકો ખાસ પ્રભાવિત થયા હતા. અનેક લોકોના આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા કારણ કે આજના ભગવાન દ્વારકાધીશના દર્શન માત્રથી જાણે વિશ્વના દર્શન થયા હોય તેવું પ્રતિત થતું હતું.
આ દર્શનનો ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો કારણ કે શનિ અને રવિના દિવસો દરમિયાન દ્વારકામાં યાત્રિકોની સંખ્યામાં ઘણો વધારો થતો હોય છે. ત્યારે ભક્તોએ આ દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.