દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા પંથકમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી સંદર્ભે પી.આઈ. પી.એમ. જુડાલ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ખંભાળિયા – જામનગર રોડ ઉપરના સિંહણ ગામ ખાતે સર્વેલન્સ પોલીસ ટીમના હેડ કોસ્ટેબલ ખીમાભાઈ કરમુર તથા પ્રદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સિંહણ ગામ વિસ્તારમાં આ અંગેના દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખંભાળિયા તાલુકાના સિંહણ ગામમાં ગેરકાયદેસર રીતે ચલાવાતી બ્લેક ટ્રેપ સ્ટોનની ખાણમાંથી આ ખનીજની ચોરી કરી અને તેને ખાણની બહાર મોટા જથ્થામાં સ્ટોક કરીને રાખવામાં આવતા પોલીસની કાર્યવાહી દરમિયાન આ સ્થળેથી જીજે-18-એચ-8816 નંબરનું એક જેસીબી, જીજ-10-એડી-0147 નંબરનું ટ્રેક્ટર તથા ટોલી ઉપરાંત 6560 કિલો વજનનું બ્લેક ટ્રેપ સ્ટોન હાલ હસ્તગત કરવામાં આવ્યું છે.
આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે માઈન્સ અને મિનરલની ચોરી કરતા પાલાભાઈ કારૂભાઈ ધરણાંતભાઈ ચાવડા (ઉ.વ. 46, રહે. આહિર સિંહણ) તથા કિશન ધરણાંતભાઈ ભૂટાભાઈ ચાવડા (ઉ.વ. 21, રહે. આહીર સિંહણ) નામના બે શખ્સોના નામ જાહેર થયા છે.
આ સમગ્ર કાર્યવાહી ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર પ્રકાશભાઈ દિનેશભાઈ પટેલને સાથે રાખીને કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.