શું ઉંદરો દારૂ પીવે છે? મધ્યપ્રદેશમાં તો પીવે છે. અહીં પોલીસ સ્ટેશનમાં દારૂની બોટલો ખાલી કરવા બદલ એક ઉંદરની ધરપકડ કરવામાં આવી છે. દારૂડીયા ઉંદરને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે! આ વિચિત્ર ઘટના છિંદવાડા જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાંથી સામે આવી છે. પોલીસે પ્લાસ્ટિકની બોટલોમાં પેક કરાયેલો ગેરકાયદેસર દારૂ કબજે કર્યો હતો અને બોટલોને સ્ટોર રૂમમાં રાખી હતી.
જો કે, જયારે જપ્ત કરાયેલ દારૂને કોર્ટમાં રજૂ કરવાનો સમય આવ્યો ત્યારે પોલીસે શોધી કાઢ્યું કે ઓછામાં ઓછી 60 બોટલ ખાલી હતી. પોલીસે તારણ કાઢ્યું કે આ બોટલો ઉંદરોએ ખાલી કરી હતી! પોલીસનું કહેવું છે કે પોલીસ સ્ટેશનની ઈમારત ખૂબ જ જૂની છે, જયાં ઉંદરો વારંવાર રખડતા જોવા મળે છે અને રેકોર્ડનો નાશ પણ કરે છે. પોલીસે એક ‘આરોપી’ ઉંદરની ‘ધરપકડ’ કરવાનો પણ દાવો કર્યો છે, જેને હવે પુરાવા તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જોકે, દારૂની મહેફિલમાં કેટલા ઉંદરો સામેલ હતા તે પોલીસ હજુ સુધી ક્ધફર્મ કરી શકી નથી! જે કેસમાં દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી તે કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. પકડાયેલ દારૂ કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી પોલીસ હવે કોર્ટને પરિસ્થિતિ સમજાવવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલીવાર નથી જયારે પોલીસ સ્ટેશનમાં ઉંદરો પર દારૂ પીવાનો આરોપ લાગ્યો હોય. અગાઉનું ઉદાહરણ છે કે જયારે પોલીસે શાજાપુર જિલ્લા કોર્ટમાં આવી જ ઘટના સંભળાવી ત્યારે ન્યાયાધીશ અને સમગ્ર કોર્ટનો સ્ટાફ હસી પડ્યો હતો. આ મામલે ઉત્તર પ્રદેશ પણ મધ્યપ્રદેશથી પાછળ નથી. વર્ષ 2018માં બરેલીના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના વેરહાઉસમાં રાખવામાં આવેલ 1,000 લીટરથી વધુ જપ્ત કરાયેલો દારૂ ગુમ થયો હતો. સ્થાનિક પોલીસકર્મીઓએ ઉંદરો પર દારૂ ગળી જવાનો આરોપ લગાવ્યો હતો.